કાલોલ સ્થિત એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના ચેક બાઉન્સના કેસમાં એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને ફરિયાદીને ચેકની રકમના દોઢ ગણા એટલે કે ₹૧૩,૭૬,૧૪૫/- વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ, ફરિયાદી ભેરારામ બાબુભાઈ મારવાડી રહે. દ્વારકેશનગર સોસાયટી, કાલોલ નો દેલોલ મુકામે ‘ચામુંડા પેટ્રોલિયમ’ નામનો પેટ્રોલ-ડીઝલ પંપ આવેલો છે. આરોપી ઈરફાન ઐયુબ ઓચુ રહે. જુના ઓઢા, વેજલપુર રોડ, ગોધરા છેલ્લા ઘણા સમયથી તેમની પાસે ગાડીઓમાં ડીઝલ-પેટ્રોલ પુરાવતો હતો.આ ઓળખાણના લીધે ઉધારમાં ડીઝલ-પેટ્રોલ લઈ જઈ બાકી નીકળતી રકમ ₹૯,૧૭,૪૩૦/- ના ચુકવણા પેટે આરોપીએ બેંક ઓફ બરોડા (ગોધરા શાખા) નો તારીખ ૧૫/૧૧/૨૦૧૮ ના રોજનો ચેક આપ્યો હતો.ફરિયાદીએ આ ચેક બેંકમાં રજૂ કરતા “અનસફિશિયન્ટ ફંડ્સ”ના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદી દ્વારા લીગલ નોટિસ મોકલવામાં આવી હોવા છતાં આરોપીએ રકમ ચૂકવી ન હતી કે નોટિસનો કોઈ જવાબ આપ્યો ન હતો, જેથી ફરિયાદીએ વર્ષ ૨૦૧૮ માં એડવોકેટ પી પી સોલંકી મારફતે કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો.કેસની કામગીરી દરમિયાન આરોપી સતત ગેરહાજર રહ્યો હતો અને તેણે કોઈ બચાવ પુરાવો પણ રજૂ કર્યો ન હતો. હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને રાખીને, કાલોલ કોર્ટના એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સુદેશ ગીલ દ્વારા ફરિયાદી એડવોકેટ પી પી સોલંકીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને કલમ-૧૩૮ મુજબ દોષિત ઠેરવી ૧ વર્ષની સાદી કેદ અને ફરિયાદીને ₹૧૩,૭૬,૧૪૫/- નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આરોપી ગેરહાજર હોવાથી તેની સામે સજાનું વોરંટ જારી કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.