કરણી સેનાને મોટો ઝટકો, પદ્માવત ફિલ્મનો વિરોધ કરવો ભારે પડ્યો, કોર્ટે નહિ આપી મંજૂરી

પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કરણી સેના દ્વારા રાજ્યભરમાં કરાયેલા તોડફોડ પ્રકરણમાં વાપુર પોલીસમથકમાં ૧૯ આરોપીઓ વિરૂધ કેસ નોંધાયો હતો. ત્યારે આ મામલે કરણી સેનાને મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને કરણી સેનાના ૧૯ કાર્યર્ક્તાઓ વિરુદ્ધનો ગુનાહિત કેસ પાછો ખેંચવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.

વર્ષ ૨૦૧૮ માં પદ્માવત ફિલ્મને લઈને કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો હતો. પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ રાજ્યભરમાં તોડફોડ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા એ વખતે વાપુર પીવીઆર સીનેમામાં કરણી સેનાએ તોડફોડ કરી ભારે નુક્સાન પહોંચાડયું હતું. આ મામલે વાપુર પોલીસે કરણી સેનાના નેતાઓ સહિત ૧૫૦૦ ના ટોળા સામે ગુનો નોંધીને ૧૯ જણાની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મુકયો હતો. બાદમાં આ કેસ સરકાર દ્વારા પરત ખેંચવા માટે ગ્રામ્ય કોર્ટના જયુડીશયલ મેજિસ્ટ્રેટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બાદ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. ત્યારે તે સમયે કોર્ટે સરકાર પક્ષની તીખી આલોચના અને આકરી ટીકા સાથે ફગાવી દીધી હતી, જે બાદ રાજય સરકાર દ્વારા સેશન્સ કોર્ટમાં આરોપીઓ સામેનો કેસ પાછો ખેંચવા રિવીઝન અરજી કરાઇ હતી.

ત્યારે હવે અમદાવાદ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને કરણી સેનાના ૧૯ કાર્યર્ક્તાઓ વિરુદ્ધનો ગુનાહિત કેસ પાછો ખેંચવાની મંજૂરી આપવાનો ઈક્ધાર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, અપરાધ વ્યક્તિગત હિત હાંસલ કરવા અને ચોક્કસ સમુદાયની વર્ચસ્વ જાળવવા માટે કરવામાં આવ્યો હતો.

અગાઉ અમદાવાદ ગ્રામ્યની નીચલી કોર્ટે સરકારની અરજી ફગાવી દેતા બહુ ગંભીર આલોચના કરતાં જણાવ્યું હતુ કે, આરોપીઓ દ્વારા આચરવામાં આવેલ કૃત્યમાં કોઇ જાહેરહિત સમાયેલ નહોતુ પરંતુ તેમાં વ્યકતિગત એક સામૂહિક હિત સમાયેલ હતુ. જે એક ચોક્કસ સમુદાય માટેનું જ હતુ. આરોપીઓ દ્વારા આચરવામાં આવેલ કૃત્યના કારણે જાહેર મિલક્તને રૂ.૧૬.૪૦ લાખનું નુક્સાન થયુ હતુ. એક ચોક્કસ સમુદાયના લોકોએ પોતાના હિતને પાર પાડવા જાહેર પ્રજા અને જાહેર મિલક્તની પરવા કર્યા વગર સમાજમાં અરાજક્તા ઉભી કરીને ભયનું વાતાવરણ ઉભુ કર્યુ હતુ. જેના લીધે કાયદો અને વ્યવસ્થા જળવાયેલ નહીં, જેના લીધે ભય અને અસલામતીભર્યા વાતાવરણમાં લોકો જીવતા હતા. આવા પ્રકારના કેસ પરત ખેંચવાની જે પરવાનગી માગવામાં આવેલી છે તે પરવાનગી આપવાથી કાયદો અને વ્યવસ્થા જળવાશે નહીં અને એક એવી ગંભીર અસર ઉભી થશે. ચોક્કસ સમુદાય દ્વારા પોતાના હેતુ પાર પાડવા કાયદો-વ્યવસ્થા હાથમાં લઈને સમાજમાં અવ્યવસ્થા ઉભી કરવામાં આવે છે અને ત્યારબાદ સરકાર સાથે વાટાઘાટો કરીને પરત ખેંચવાની રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ આ સમગ્ર કૃત્યમાં સમાજના નિર્દોષ લોકોએ ભોગ બનવુ પડે છે અને નુક્સાન વેઠવુ પડે છે. ફરિયાદ પક્ષ દ્વારા કોઈપણ વિચારણા કર્યા વગર આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવાની પરવાનગી માંગવામાં આવી છે. આવી પરવાનગી જાહેરહિતની વિરૂધની હોઇ તે કોર્ટની પણ પવિત્ર ફરજ છે. આવી પરવાનગી આપવાથી સમાજ ઉપર થનારી અસર પણ કોર્ટે યાને લેવાની હોય છે. આ તમામ બાબતો યાનમાં લેતાં કેસ પરત ખેંચવાની માંગ કરતી સરકારની અરજી નામંજૂર કરવામાં આવે છે.