ભુજ તાલુકાના ઢોરી ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. ૨૬ વર્ષીય ઝરીનાબેન દાઉદ કુંભારની પથ્થર વડે માથું અને મોઢું છૂંદી નાખી નૃશંસ હત્યા કરી દેવામાં આવી છે. મૃતદેહ ગામની દૂધ ડેરીની ઓરડીમાં લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
ઝરીનાબેનનો પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે માવતરે રહેતી હતી. પરિવાર તેના બીજા લગ્ન નક્કી કરવાની તૈયારીમાં હતો. દરમિયાન ગામના જ હરેશ કાનજીભાઈ ગાગલ (ઉં. આશરે ૩૦) સાથે તેનો લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. રવિવારે હરેશે ઝરીનાને ડેરીની ઓરડીમાં મળવા બોલાવી હતી.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, મુલાકાત દરમિયાન ઝરીનાએ બીજા લગ્નની વાત કરી તો હરેશ ગુસ્સે ભરાયો હતો. એક્તરફી પ્રેમમાં પાગલ બનેલો હરેશ નજીક પડેલો મોટો પથ્થર ઉપાડીને ઝરીના પર તૂટી પડ્યો અને વારંવાર પ્રહાર કરી તેને ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ હરેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો.બપોર પછી ઝરીનાનો ભાઈ તેને શોધતો ડેરીની ઓરડીએ પહોંચ્યો અને બહેનનું લોહીલુહાણ મૃતદેહ જોઈ ચીસાચીસ કરી ઉઠ્યો હતો. આ ઘટનાની માહિતી સામે આવતા જ ગામમાં ખળભળાટ મચી ગયો છે. માધાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એસ. જાડેજા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યું છે.
માધાપર પોલીસે ઝડપી તપાસ હાથ ધરી અને માત્ર થોડી કલાકોમાં જ આરોપી હરેશ કાનજીભાઈ ગાગલને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ ચાલુ છે. હત્યામાં વપરાયેલો પથ્થર કબ્જે કરાયો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજ જનરલ હોસ્પિટલ મોકલાયો છે. આ ઘટનાએ ફરી એક વખત સમાજમાં એક્તરફી પ્રેમ અને “ના” સ્વીકારવાની માનસિક્તાના અભાવનું ભયાનક સ્વરૂપ બતાવ્યું છે. ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.