
જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રી મેળો ૨૦૨૬ આજથી (૧૧ ફેબ્રુઆરી) વિધિવત શરૂ થઈ ગયો છે. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા પવિત્ર ભવનાથ મહાદેવ મંદિર ખાતે યોજાતો આ મેળો દેવાધિદેવ શંકરના દર્શન, ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના અનોખા સંગમ તરીકે વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ છે. આ વર્ષે તેને મિની કુંભનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને નાગા બાબાઓ ઉમટી પડ્યા છે.
સવારે ભવનાથ મંદિરના શિખર પર નવસ્થાપિત ૫૫ કિલોના ભવ્ય ધ્વજદૃંડ પર પરંપરાગત ધ્વજારોહણ સાથે મેળાનો શુભારંભ થયો. સવારે ૭:૩૦ વાગ્યે ભરડાવાવ ખાતેથી સાધુ-સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી અને મંદિર સુધી પહોંચી.આ વર્ષે સૌથી મોટી ખાસિયત છે પ્રથમવાર યોજાતી ભવ્ય ‘ડમરુ યાત્રા. સાંજે ૭ વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈને લગભગ ૪૦૦ મીટરના માર્ગે મંદિર સુધી નીકળી. આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થયા.ઐતિહાસિક રીતે પ્રથમ વખત સર્વ સમાજની દીકરીઓએ કળશ ધારણ કરીને સંતોનું સ્વાગત કર્યું, જે ભક્તિ અને સમાજસેવાનું ઉત પ્રતીક બન્યું. યાત્રા પૂર્ણ થયા બાદ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી અને ધર્મસભાનું આયોજન કરાયું.મેળો ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે (પાંચ દિવસ). મહાશિવરાત્રીની રાત્રે મૃગી કુંડમાં રાજસી સ્નાન અને રવેડી (શાહી સરઘસ) જેવા પરંપરાગત કાર્યક્રમો યોજાશે.
મહાશિવરાત્રીના મેળાને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરાઈ છે.ટ્રાફિક નિયમન માટે કેટલાક મુખ્ય રસ્તાઓ વન-વે જાહેર કરાયા છે.જીએસઆરટીસીની મિની બસો માત્ર ગિરનાર દરવાજા થઈને વાઘેશ્ર્વરી મંદિર પાર્કિંગ પર પિકઅપ/ડ્રોપ કરશે અને ત્યાંથી જૂનાગઢ તરફ પરત ફરશે. ભવનાથ વિસ્તાર વાહન-મુક્ત રહેશે.આ મેળો માત્ર ધાર્મિક નહીં, પણ સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે.