
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે અજિત પવાર જૂથના એનસીપી સાથેના સંભવિત વિલીનીકરણ અને એનડીએમાં જોડાવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ અંગે પાર્ટીની બેઠકમાં પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું. શરદ પવારે કહ્યું કે તેમનો પક્ષ કોઈની સાથે જાડાણ કરશે નહીં, પરંતુ તેના પક્ષને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
શરદ પવારે કહ્યું કે તેમના પક્ષ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)નું નેતૃત્વ કરે છે તે એક ધર્મનિરપેક્ષ પક્ષ છે. તેમણે કહ્યું, “જો કોઈ અમારી સાથે જોડાવા માંગે છે, તો ફક્ત અમારી નજીક ન આવો, પરંતુ અમારી પાર્ટીમાં જોડાઓ. અમે કોઈની સાથે નહીં જઈએ. અમે અમારી પાર્ટીને મજબૂત બનાવીશું.”
પાર્ટીની બેઠકમાં, શરદ પવારે ભવિષ્યના ચૂંટણી પરિણામો અંગે પણ એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભવિષ્યમાં, રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો ઉપયોગ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે થઈ શકે છે. શરદ પવારે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ થવાની સંભાવના હવે દેખાઈ રહી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે રોબોટ્સ અને એઆઈનો ઉપયોગ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવા અથવા બદલવા માટે થઈ શકે છે.
શરદ પવારે અગાઉ એનસીપીના બે જૂથો વચ્ચે સંભવિત વિલીનીકરણ અંગેની અટકળોને ફગાવી દીધી હતી. જ્યારે બે જૂથોના એક થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવારે કહ્યું હતું કે, “તેનો કોઈ અર્થ નથી.”એનસીપી (શરદચંદ્ર પવાર) ના નેતાઓએ અગાઉ દાવો કર્યો હતો કે તત્કાલીન એનસીપી વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બંને જૂથોના વિલીનીકરણમાં સામેલ હતા. તેઓ તેના પક્ષમાં હતા. અગાઉ, એક નિવેદનમાં, શરદ પવારે આ અટકળોને ફગાવી દેતા કહ્યું હતું કે, “આ મુદ્દા પર ભૂતકાળમાં મારા સ્વર્ગસ્થ ભત્રીજા અજિત પવાર અને જયંત પાટિલ વચ્ચે ચોક્કસપણે ચર્ચા થઈ હતી, પરંતુ હવે આવી કોઈ વાત નથી.” અજિત પવારનું જાન્યુઆરીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું.