જો ફલાઇટ મોડી પડે તો ખોરાક અને રિફંડની ખાતરી આપવામાં આવે છે: ફલાઇટ રદ કરવા અંગે નવી સરકારની સલાહ

ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હવાઈ ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આ પરિસ્થિતિને યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે તમામ એરલાઇન્સને મુસાફરો સલામતી નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ખરાબ હવામાનને કારણે સર્જાયેલી આ પરિસ્થિતિમાં મુસાફરોની સલામતી અને સુવિધા સર્વોચ્ચ પ્રાથમિક્તા હોવી જોઈએ.

મંગળવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધુમ્મસની વ્યાપક અસર પડી હતી. ઓછી દૃશ્યતાને કારણે કુલ ૧૧૮ ફલાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે ૧૬ ડાયવર્ટ કરવામાં આવી હતી. વધુમાં, આશરે ૧૩૦ફલાઇટ મોડી પડી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ફલાઇટમાં ૬૦ ઇનકમિંગ અને ૫૮ આઉટગોઇંગફલાઇટનો સમાવેશ થાય છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ફક્ત તે જ વિમાનો જે ઓછી દૃશ્યતામાં ઉડાન ભરવા માટે તકનીકી રીતે સક્ષમ નથી તેઓ વિક્ષેપો અનુભવી રહ્યા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમનીફલાઇટની સ્થિતિ તપાસવા અને તેમની મુસાફરી માટે વધારાનો સમય આપવા વિનંતી કરી છે. મંત્રાલયે લાઇટ વિલંબના કિસ્સામાં મુસાફરોને ભોજન પૂરું પાડવા માટે એરલાઇન્સને કડક સૂચનાઓ જારી કરી છે. ફલાઇટ રદ થવાના કિસ્સામાં, તેઓએ વૈકલ્પિક ફલાઇટની વ્યવસ્થા કરવી જોઈએ અથવા સંપૂર્ણ રિફંડ આપવું જોઈએ. સમયસર ચેક ઇન કર્યા પછી પણ મુસાફરોને બોડગનો ઇનકાર ન કરવો જોઈએ, અને તેમની ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ.

દરમિયાન, એર ઇન્ડિયાએ મુસાફરોને મદદ કરવા માટે ફોગકેર નામની પહેલની જાહેરાત કરી છે. આ હેઠળ, જો ધુમ્મસને કારણે લાઇટ પ્રભાવિત થવાની સંભાવના હોય, તો મુસાફરો કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની મુસાફરીની તારીખો ફરીથી શેડ્યૂલ કરી શકે છે અથવા કોઈપણ કપાત વિના સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે મુસાફરોને મદદ કરવા માટે તેના ફિલ્ડ સ્ટાફ મુખ્ય એરપોર્ટ સ્થળોએ તૈનાત છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અસરગ્રસ્ત એરપોર્ટ પર સહાય ટીમો પણ તૈનાત કરી છે.

હવામાન વિશે વાત કરીએ તો, મંગળવારે સવારે દિલ્હી ધુમ્મસની જાડી ચાદરમાં ઢંકાયેલું રહ્યું. શહેરનું લઘુત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને દિવસ દરમિયાન ખૂબ જ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પ્રદૂષણના સ્તરમાં થોડો સુધારો થયો હોવા છતાં, પરિસ્થિતિ ચિંતાજનક રહે છે. મંગળવારે સવારે હવા ગુણવત્તા સૂચકાંક ૩૮૮ નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા અનુસાર, આગામી દિવસોમાં હવા ગુણવત્તા આ શ્રેણીમાં રહેવાની શક્યતા છે.