ચોમાસુ પૂર્ણ થયા બાદ દાહોદથી જેસાવાડાને જોડતા સ્ટેટ હાઈવેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના કારણે દૈનિક અવરજવર કરતા મુસાફરો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર અનેક જગ્યાએથી ડામરની ઉપરની લેયર ઊખડી ગઈ છે. પરિણામે નાના-મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે,
જે ગંભીર અકસ્માતોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. દાહોદથી માત્ર 14 કિલોમીટર દૂર આવેલો આ માર્ગ ધાનપુર તાલુકામાં પ્રવેશ માટેનો મુખ્ય હાઇવે હોવાથી અને જેસાવાડા આસપાસ શૈક્ષણિક સંસ્થાઓ તથા મોટું બજાર આવેલું હોવાથી તેના પર રોજ સેંકડો વાહનોની અવરજવર રહે છે.રસ્તાની બગડેલી હાલતને કારણે વાહનચાલકોને ખાડાઓથી બચવા માટે વારંવાર વાહન ફેરવવું પડે છે, જેના કારણે વાહન સ્લીપ થવાની ઘટનાઓ અને અકસ્માતોમાં વધારો થયો છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની તંત્ર પાસે જોરદાર માંગ છે કે આ અગત્યના સ્ટેટ હાઈવેની તાત્કાલિક મરામત કરવામાં આવે અને રી-કાર્પેટિંગ કરીને રસ્તાને સુગમ બનાવવામાં આવે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.ડામર ઉખડી જતા ગાડીઓ સ્લીપ થવાની ઘટનાઓ વધી હું જેસાવાડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવું છું. મારા બાળકો દાહોદ ભણતા હોવાથી હું દરરોજ દાહોદથી જેસાવાડા આવુ છું. આ રોડ પર અનેક જગ્યાએ ડામર ઉખડી જતા ગાડીઓ સ્લીપ થવાની ઘટનાઓ વધી ગઈ છે. જેથી કરીને આ ડામર રોડ પર રિ-કારપેટિંગ કરવામાં આવે તો સારુ.