રાજયના જેલ વિભાગ અને પોલીસ તંત્રમાં ધમકીભર્યા ઈ-મેઈલના પગલે દોડધામ મચી જવા પામી છે. ગુજરાત રાજય ડીજીપીના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતની સેન્ટ્રલ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર રાજયની જેલોમાં હાઈએલર્ટ જાહેર કરી સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઈ-મેઈલ ધમકીના પગલે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ આગોતરા સુરક્ષાના ભાગરૂપે તાબડતોડ જિલ્લાની વિવિધ સબજેલોમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેના પગલે દાહોદના ડોકી સબજેલ, દે.બારીઆ સબજેલ અને ઝાલોદ સબજેલ ખાતે એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. આ ઓપરેશનમાં બીડીડીએસ, એસઓજી,રરૂરલ પોલીસ તેમજ સબજેલના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનોનો કાફલો જોડાયો હતો. પોલીસ કાફલા દ્વારા જેલ પરીસર, બેઠકો અને આસપાસના વિસ્તારોમાં ખુણેખુણામાં બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે કલાકો સુધી ચાલેલા આ સઘન સર્ચ ઓપરેશન દરમિયાન જેલ પરીસરમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વાંધાજનક ચીજવસ્તુ મળી આવી ન હતી. જેથી પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.