જાંબુઘોડા ઉઢવણ પંચાયત પાસે વીજપોલ અને ટ્રાન્સ્ફોર્મર પર વેલાઓનુ સામ્રાજય

જાંબુઘોડા તાલુકાને અડીને આવેલા ઉઢવણ ગામમાં ગ્રામ પંચાયત કચેરી નજીક વીજ ટ્રાન્સફોર્મર અને વીજ પોલ પર વેલાઓ છવાઈ જતાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. મામુલી પવન અને વરસાદ આવતા જ ફોલ્ટ સર્જાતા ગામના ત્રણ ફળિયા અને પ્રા.શાળા કલાકો સુધી અંધારપાટમાં ગરકાવ થાય છે. પરિણામે વિદ્યાર્થીઓને અભ્યાસ, મહિલાઓને રસોઈ અને દૈનિક કામગીરી પર ગંભીર અસર પડી રહી છે.

ગામલોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દર વર્ષે કાગળ પર થતુ પ્રિ-મોન્સુન મેન્ટેનન્સ અહિં માત્ર ચોપડે જ મર્યાદિત રહ્યુ છે. આ અંગે જાંબુઘોડા એમજીવીસીએલ કચેરીમાં અનેક રજુઆતો કરવામાં આવ્યા છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. એટલુ જ નહિ, વીજળી ડુલ થાય ત્યારે કચેરીમાં ફોન કરવા છતાં કર્મચારીઓ ફોન ઉપાડવામાં ઉદાસીનતા દાખવે છે. વારંવાર લાઈટ જવાથી ધરેલુ વીજ ઉપકરણો બગડી જવાની ભિતી પણ લોકોમાં સેવાઈ રહી છે. ત્યારે વીજ કંપની દ્વારા ટ્રાન્સ્ફોર્મર અને વીજ લાઈનો પરથી વેલા તાત્કાલિક દુર કરવામાં આવે અને વીજ પુરવઠાની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.