
UPIથી ₹2,000 થી વધુના પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગશે. ફીની મહત્તમ મર્યાદા 300 રૂપિયા સુધી કરવામાં આવી છે. આ રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર કરશે. આ શુલ્ક ગ્રાહકો પાસેથી નહીં, પરંતુ વેપારીઓ પાસેથી લેવામાં આવશે.
જોકે, ₹2,000 સુધીનું પેમેન્ટ કરવા પર ગ્રાહક અને વેપારી બંને પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. નાણા મંત્રાલયે સોમવારે નોટિફિકેશન બહાર પાડીને આ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટને પણ આ છૂટમાં સામેલ કરવામાં આવ્યું છે.
પ્રશ્ન: ₹2,000 થી વધુના પેમેન્ટ પર સરકારે ફી લગાવવાનો નિર્ણય શા માટે લીધો?
જવાબ: તેનું મુખ્ય કારણ મોટા વ્યાપારી પેમેન્ટ છે. નાણાકીય વર્ષ 2025-26માં દુકાનદારોને ₹198 લાખ કરોડ UPI દ્વારા પેમેન્ટ થયા. તેમાંથી ₹2,000 થી વધુના ટ્રાન્ઝેક્શન માત્ર 4% થયા, પરંતુ તેમની કુલ કિંમત ₹131 લાખ કરોડ હતી. જે કુલ પેમેન્ટના 66% છે.
સવાલ: MDR શું હોય છે અને તે કોની પાસેથી લેવામાં આવે છે?
જવાબ: MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. સરળ ભાષામાં, આ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની સુવિધાના બદલામાં દુકાનદાર અથવા વેપારી પાસેથી લેવામાં આવતી ફી છે. કાર્ડ પેમેન્ટમાં આ પ્રકારની ફી પહેલેથી જ અસ્તિત્વમાં છે.
MDRની અસર ગ્રાહક પર પડશે કે દુકાનદાર પર?
જવાબ: MDR વેપારી સાથે સંકળાયેલ શુલ્ક છે, તેથી તેની સીધી અસર દુકાનદાર કે વેપારીના પેમેન્ટ ખર્ચ પર પડશે. જોકે, જો વેપારીનો ખર્ચ વધે છે તો તે તેને પોતાના વેપારના ખર્ચમાં સામેલ કરી શકે છે. તેની અસર સામાન કે સેવાના ભાવ પર પડશે કે નહીં, તે આગળના નિયમો અને બજારની સ્થિતિ પર નિર્ભર કરશે.
સવાલ: નાના દુકાનદારોને આ શુલ્કમાંથી કોઈ છૂટ મળી છે ખરી?
જવાબ: હા મળી છે, જે દુકાનદારોનું માસિક ટર્નઓવર 21 લાખ રૂપિયા કે તેથી ઓછું છે. તેમને MDR ચૂકવવું પડશે નહીં.
સવાલ: સરકારે કાયદામાં ફેરફાર શા માટે કર્યો?
જવાબ: સરકારનું કહેવું છે કે UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેને સુરક્ષિત રાખવા, સાયબર ફ્રોડ રોકવા, ટેકનોલોજી અપગ્રેડ કરવા અને પેમેન્ટ સિસ્ટમને મજબૂત જાળવી રાખવામાં સતત ખર્ચ થાય છે. કાયદામાં ફેરફારને આ જ લાંબા સમયની જરૂરિયાત સાથે જોડવામાં આવ્યો છે.
સરકારે નાના દુકાનદારો માટે પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી
સરકારે UPIને પ્રોત્સાહન આપવા અને મફત રાખવા માટે 2021-22થી પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત ગ્રાહક દ્વારા નાના દુકાનદારને થતા ₹2,000 સુધીના UPI પેમેન્ટ પર 0.15% ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું. 2024-25 સુધીમાં તેના પર ₹8,276 કરોડનું ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું. દેશમાં જૂન 2026 સુધીમાં લગભગ 55.5 કરોડ UPI યુઝર્સ હતા.
વિપક્ષ બોલ્યો- સરકારે ચૂપચાપ UPI પર ફીનો રસ્તો ખોલ્યો
- રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ચૂપચાપ UPI પર ફી લગાવવાનો રસ્તો ખોલી દીધો છે. સરકાર કહે છે કે કોઈ ફી લેવામાં આવશે નહીં, પરંતુ દુકાનદાર પર લાગતી ફી આખરે ક્યાંથી આવશે. ગ્રાહકના ખિસ્સામાંથી આવશે.
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- આસમાનને આંબતી મોંઘવારીથી સામાન્ય માણસનું ખિસ્સું પહેલેથી જ ખાલી છે. જથ્થાબંધ મોંઘવારી 10% ની આસપાસ છે અને ભાજપ સરકારે જનતા પર ‘ડિજિટલ પેમેન્ટ ટેક્સ’ લગાવીને તેમની બચતને પણ તબાહ કરવાની યોજના બનાવી દીધી છે.
UPI કેવી રીતે કામ કરે છે?
UPI સર્વિસ માટે તમારે એક વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ તૈયાર કરવું પડે છે. ત્યારબાદ તેને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. ત્યારબાદ તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ કે IFSC કોડ વગેરે યાદ રાખવાની જરૂર નથી રહેતી. પેમેન્ટ કરનાર ફક્ત તમારા મોબાઇલ નંબર મુજબ પેમેન્ટ રિક્વેસ્ટ પ્રોસેસ કરે છે.જો તમારી પાસે તેની UPI ID (ઈ-મેલ ID, મોબાઇલ નંબર કે આધાર નંબર) હોય તો તમે તમારા સ્માર્ટફોન દ્વારા સરળતાથી પૈસા મોકલી શકો છો.ફક્ત પૈસા જ નહીં, પરંતુ યુટિલિટી બિલ પેમેન્ટ, ઓનલાઈન શોપિંગ, ખરીદી વગેરે માટે નેટ બેન્કિંગ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડની પણ જરૂર નહીં પડે. આ બધા કામ તમે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમથી કરી શકો છો.
ભારતમાં UPIનું નેટવર્ક કેટલું મોટું છે?
જુલાઈ 2026 સુધીમાં 741 બેંકો UPI સાથે જોડાઈ હતી. માત્ર જુલાઈમાં લગભગ 2,366 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા, જેની કુલ રકમ લગભગ ₹29.88 લાખ કરોડ રહી. નાણાકીય વર્ષ 2025-26માં દેશના કુલ ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો લગભગ 84% રહ્યો. એટલે કે, નાની દુકાનોથી લઈને ઓનલાઈન શોપિંગ અને મોટા પેમેન્ટ સુધી, UPI રોજિંદા ડિજિટલ પેમેન્ટનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે.