સુરતના ખટોદરા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે હેવાનિયત, મજૂરે ચેંજિંગ રૂમમાં ખેંચી લઈ જઈને દુષ્કર્મ આચર્યું

સુરતના ખટોદરા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ખટોદરાની પ્રભુદર્શન ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટના જરીના કારખાનામાં આ ઘટના બની હતી. પોલીસે ૨૨ વર્ષીય નરાધમ ધિરેન ઉર્ફે બાબુ જયસેન ડાકુઆની ધરપકડ કરી છે. કારખાનામાં કપડાં બદલવાના રૂમની બહાર બાળકી રમી રહી હતી ત્યારે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી છેલ્લા દોઢ મહિનાથી બાળકી સાથે ગેરવર્તણૂક અને અડપલાં કરતો હતો. દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બાળકીની માતાને જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાળકીની માતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીને ભાગે તે પહેલા ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૩ દિવસ પહેલા સુરતના ભટાર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી. જેમાં ૯ વર્ષની માસૂમ બાળકી સાથે ૪૫ વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.

૯ સપ્ટેમ્બરે બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં માતા તેને સારવાર અર્થે નજીકના હેલ્થ સેન્ટર લઈ ગઈ હતી. ત્યાં પૂછપરછ દરમિયાન માસૂમ બાળકીએ રડતાં રડતાં પોતાની સાથે થયેલી આપવીતી અને નરાધમ નંદલાલની હેવાનીયતની વાત જણાવી હતી. જેથી માતાએ પોલીસને સમગ્ર વિગતની જાણ કરતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી.