હાલોલમાં ભાજપ અને તાલુકા સંગઠન દ્વારા ધારાસભ્યની હાજરીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજી

હાલોલ નગરમાં ભારતીય જનતા પાર્ટીના નગર અને તાલુકા સંગઠન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની આગેવાની હેઠળ યોજાયેલી આ યાત્રામાં વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.

તિરંગા યાત્રાની શ‚આત ગોધરા રોડ પર આવેલી વી. એમ. સ્કૂલથી થઈ હતી. આ યાત્રા બસ સ્ટેશન સહિત હાલોલના વિવિધ જાહેર માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગાથી વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી છવાઈ ગયું હતું.

યાત્રામાં વિવિધ શાળાઓના આશરે ૫૦૦ વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ૨૦૦ ફૂટ લાંબો વિશાળ તિરંગો ધારણ કર્યો હતો, જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વરસાદ હોવા છતાં વિદ્યાર્થીઓ અને નગરજનોએ દેશપ્રેમનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો.

આ યાત્રામાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત સામાજીક સંસ્થાઓના આગેવાનો, પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ તંત્રના ઉઢજઙ સહિતના વહીવટી અધિકારીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

તિરંગા યાત્રા પાવાગઢ રોડ પર આવેલા મહારાણા પ્રતાપ ચોક ખાતે સમાપ્ત થઈ હતી. અહીં ઉપસ્થિત આગેવાનો દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાના આહ્વાનને સાકાર કરતી આ યાત્રા હાલોલમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનું પ્રતીક બની હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભાગીદારીએ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.