ગુજરાતે રચ્યો નિકાસનો નવો રેકોર્ડઃ ૧૧૦ બિલિયન સાથે ભારતનું નંબર-૧ એક્સપોર્ટ રાજ્ય બન્યું

વૈશ્વીક આર્થિક પડકારો વચ્ચે ગુજરાતે નિકાસ ક્ષેત્રે પોતાની આગવી ક્ષમતા સાબિત કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ભારતની કુલ નિકાસ ૮૬૩ બિલિયન સુધી પહોંચી છે, જેમાં ગુજરાતે અંદાજે ૧૧૦ બિલિયનનું યોગદાન આપી દેશના અગ્રણી નિકાસકાર રાજ્ય તરીકે સ્થાન મેળવ્યું છે.

ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વીક વેપારમાં વધતી પહોંચને કારણે રાજ્યની નિકાસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એન્જીનિયરિંગ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ તેમજ હીરા અને ઝવેરાત જેવા વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનો વિદેશી બજારોમાં ગુજરાતની મજબૂત હાજરી નોંધાવી રહ્યા છે.

ગુજરાતની નિકાસ ક્ષમતાને મજબૂતી આપવામાં રાજ્યનું વિકસિત ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ માળખું મહત્વપૂર્ણ સાબિત થયું છે. અત્યાધુનિક બંદરો, માર્ગ અને રેલ કનેકટીવિટી તથા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના નેટવર્કને કારણે રાજ્યના ઉદ્યોગોને વૈશ્વીક બજારો સુધી પહોંચવામાં સરળતા મળી રહી છે.

બંદરોની ઉપલબ્ધતા અને મજબૂત કનેકટીવિટી ગુજરાતને નિકાસકારો માટે મહત્વનું કેન્દ્ર બનાવે છે. માલસામાનની હેરફેરમાં સમય અને ખર્ચ ઘટાડવાની સુવિધાઓને કારણે રાજ્યમાંથી આંતરરાષ્ટ્રીય બજારો સુધી ઉત્પાદનો પહોંચાડવાની પ્રક્રિયા વધુ સરળ બની છે.સરળ સરકારી પ્રક્રિયાઓ અને ઉદ્યોગલક્ષી વાતાવરણના કારણે મોટા ઉદ્યોગો ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે પણ વૈશ્વીક બજારમાં પ્રવેશવાની તકો વિસ્તરી છે.

ગુજરાતની આર્થિક ઓળખ માત્ર પરંપરાગત ઉદ્યોગો સુધી મર્યાદિત રહી નથી. રાજ્ય હવે સેમિકન્ડક્ટર, હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શીયલ સેવાઓ જેવા નવા અને ટેક્નોલોજી આધારિત ક્ષેત્રોમાં પણ પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે.આ ક્ષેત્રોમાં વધતા રોકાણથી રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા વધુ વૈવિધ્યસભર બની રહી છે અને આગામી સમયમાં નિકાસના નવા માર્ગો ખુલી રહ્યા છે.

વિશ્વસ્તરીય પોર્ટ સિસ્ટમ, મજબૂત કનેકટીવિટી અને વિશાળ ઔદ્યોગિક આધારના કારણે ગુજરાત દેશના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.નિકાસ ક્ષેત્રે મળેલી આ સફળતા માત્ર રાજ્યની આર્થિક શક્તિ દર્શાવતી નથી, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યાંકને આગળ વધારવામાં ગુજરાતના યોગદાનને પણ ઉજાગર કરે છે.

એન્જીનિયરિંગ સાધનોથી લઈને દવાઓ, પેટ્રોકેમિકલ્સ અને હીરા-ઝવેરાત સુધીના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના ઉત્પાદનોની વૈશ્વીક માંગ રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાનો પુરાવો છે.૧૧૦ બિલિયનની નિકાસના આ આંકડા સાથે ગુજરાતે એક્સપોર્ટ ક્ષેત્રે પોતાની મજબૂત સ્થિતિ વધુ સ્પષ્ટ કરી છે. આવનારા સમયમાં નવા ઉદ્યોગો, ટેક્નોલોજી અને વૈશ્વીક રોકાણ સાથે ગુજરાતની નિકાસ ક્ષમતા વધુ વિસ્તરે તેવી અપેક્ષા છે.