
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મગોબ ભાઠા ગામે આજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. જાણીતી કંપની નિરમા ના મેનેજિંગ ડિરેક્ટર હિરેન પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. સદનસીબે, હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને પાઈલોટ સુરક્ષિત છે.
નિરમા કંપનીના હિરેન પટેલ આજે સવારે અમદાવાદથી નીકળી સુરત પહોંચ્યા હતા. સુરતથી તેઓ મુંબઈના જુહુ જવા માટે રવાના થયા હતા. જોકે, સુરતથી ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાઈલોટની સતર્કતાને કારણે હેલિકોપ્ટરને તાત્કાલિક નવસારીના મગોબ ભાઠા ગામની સીમમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે જ્યાં હેલિકોપ્ટરનું લેન્ડીંગ થયું, ત્યાંથી માત્ર ૫૦૦ મીટરના અંતરે જ ઓએનજીસીનો મુખ્ય વાલ્વ આવેલો છે. જો હેલિકોપ્ટર ત્યાં અથડાયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત, પરંતુ પાઈલોટની કુશળતાને કારણે મોટી આફત ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા અને લેન્ડીંગ બાદ, હિરેન પટેલ અને તેમની સાથેના અન્ય સભ્યો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ બાય રોડ મુંબઈ જવા રવાના થયા હતા.