
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ઔદ્યોગિક અને માળખાગત વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ (સરખેજ) થી ધોલેરા વચ્ચેની સેમી હાઈ-સ્પીડ રેલ લાઈનને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ આગામી દાયકામાં ગુજરાતને વૈશ્વીક ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મજબૂત રીતે સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટથી માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટે, પરંતુ રોજગારીની નવી તકોનું પણ સર્જન થશે.
આ પ્રોજેક્ટ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ ગુજરાતના આર્થિક ભવિષ્યની કરોડરજ્જુ સાબિત થશે. જેનો કુલ ખર્ચ અંદાજે ૨૦,૬૬૭ કરોડ રૂપિયા થશે. જે ૩૪ કિમી લાંબી ડબલ-લાઈન રેલવે લાઈન હશે. જેમાં સંપૂર્ણ ‘સ્વદેશી’ ટેકનોલોજીથી નિર્મિત દેશનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે. એવું કહેવાઈ રહ્યું છે કે વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. આ રેલ પ્રોજેક્ટથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી અને અમદાવાદ વચ્ચે કનેકટીવિટી અત્યંત ઝડપી બનશે. ઉદ્યોગો માટે કાચો માલ લાવવા અને તૈયાર માલના પરિવહન માટે આ લાઈન ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે.
આ રેલવે લાઈન માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ પ્રવાસન અને સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ બનશે. વિશ્વ પ્રસિદ્ધ હેરિટેજ સાઈટ લોથલ હવે સીધું રેલવે માર્ગે જોડાશે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને આ રેલ લાઈનનો સીધો લાભ મળશે. આ રૂટ પર આવતા ૨૮૪ ગામોના અંદાજે ૫ લાખ લોકોને આધુનિક પરિવહન સુવિધાનો લાભ મળશે. આ પ્રોજેક્ટથી ઈંધણની મોટી બચત થશે અને પ્રદૂષણ મુક્ત મુસાફરીનો વિકલ્પ મળશે.
કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે માહિતી આપી હતી કે આ બેઠકમાં કુલ ૩,૧૮,૧૬૫ કરોડની વિવિધ યોજનાઓને લીલી ઝંડી આપવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૨૬-૨૭ની સીઝન માટે ખરીફ પાકના એમએસપી (ટેકાના ભાવ) પેટે ૨,૬૦,૦૦૦ કરોડની ફાળવણી. દેશમાં કોલસામાંથી ગેસ બનાવવા માટે ૩૭,૫૦૦ કરોડની કોલ ગેસિફિકેશન સ્કીમને મંજૂરી. નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના આધુનિકીકરણ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.