ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કર્યો

ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં વિભાગ દ્વારા ૨ જૂન ૨૦૨૬ ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ અનુસાર, રાજ્યમાં હજુ પણ પાંચમા પગાર પંચ (ગુજરાત રાજ્ય સેવા નિયમો-૧૯૯૮) હેઠળ પગાર મેળવતા બાકી રહેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડીએ) માં માતબર વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી રહેતા મોંઘવારી ભથ્થા અને એરિયર્સ (તફાવત) ની રકમ કર્મચારીઓને તબક્કાવાર ચૂકવવામાં આવશે, જેનાથી હજારો કર્મચારીઓમાં આનંદનો માહોલ છે.

કેન્દ્ર સરકારના ધોરણો અને નાણાં વિભાગની પુખ્ત વિચારણા બાદ, પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે અલગ-અલગ સમયગાળાના આધારે મોંઘવારી ભથ્થાના દરો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે..

સમયગાળો (અસરની તારીખ)  મોંઘવારી ભથ્થાનો નવો દર

૧ જુલાઈ ૨૦૨૨ થી    ૩૬૯%

૧ જાન્યુઆરી ૨૦૨૩ થી        ૪૧૨%

૧ જુલાઈ ૨૦૨૩ થી    ૪૨૭%

૧ જાન્યુઆરી ૨૦૨૪ થી        ૪૪૩%

અગાઉ ૧૬/૧૦/૨૦૨૪ ના ઠરાવ મુજબ કર્મચારીઓને ૩૮૧% લેખે ભથ્થું ચૂકવાતું હતું. હવે કોરોના મહામારી દરમિયાન ફ્રીઝ થયેલા ભથ્થાને મુક્ત કરીને ૧ જુલાઈ ૨૦૨૧ થી ૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીનું કુલ ૮૭% (૩૫૬% થી ૪૪૩% સુધીનું) મોંઘવારી ભથ્થાનું એરિયર્સ** હપ્તાવાર ચૂકવવાનું નક્કી કરાયું છે.

મોંઘવારી ભથ્થાનો આ વધારો જૂન-૨૦૨૬ ના પગાર સાથે (જે જુલાઈ-૨૦૨૬ માં ચૂકવવામાં આવશે) રોકડેથી અપાશે. મોંઘવારી ભથ્થાની ગણતરી કર્મચારીના મૂળ પગાર + મોંઘવારી પગાર પર કરવાની રહેશે. ગણતરીમાં ૫૦ પૈસા કે તેથી વધુ રકમને આખા રૂપિયામાં ગણવામાં આવશે, જ્યારે ૫૦ પૈસાથી ઓછી રકમને ધ્યાને લેવાશે નહીં. આ મોંઘવારી ભથ્થું વળતરના અલગ ભાગ તરીકે જ રહેશે. તેને ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ હેઠળ ‘પગાર’ તરીકે ગણવામાં આવશે નહીં.

ગુજરાત સરકારના આ નિર્ણયનો વ્યાપ ઘણો મોટો છે. આ હુકમો નીચે દર્શાવેલા તમામ પાત્ર કર્મચારીઓ/અધિકારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારના તમામ નિયમિત કર્મચારીઓ (જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે). પંચાયત કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ કે બદલી પામેલા કર્મચારીઓ. સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ. સરકારી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓ. સહાયક અનુદાન મેળવતી (ગ્રાન્ટેડ) અને બિન-અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ. કામ પૂરતા મહેકમના કર્મચારીઓ તેમજ બોર્ડ-નિગમના પાત્ર સ્ટાફ.

નાણાં વિભાગના ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પંચાયતો, નગરપાલિકાઓ, બોર્ડ-નિગમો અને અનુદાનિત સંસ્થાઓએ આ મોંઘવારી ભથ્થા અને તફાવતની રકમનો લાભ આપવા માટે પોતાની નાણાકીય પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્વૈચ્છીક નિર્ણય લેવાનો રહેશે. આ વધારાના આર્થિક બોજ માટે રાજ્ય સરકાર દ્વારા જે-તે સંસ્થા કે નગરપાલિકાને કોઈ પણ પ્રકારની વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. તેમજ ચૂકવાપાત્ર તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓ કરતાં વધવો જાઈએ નહીં.

રાજ્ય સરકારના કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૦૬ ની અસરથી ગુજરાત રાજ્ય સેવા (પગારસુધારણા) નિયમો-૨૦૦૯ લાગુ પાડવામાં આવતાં નવા પગારધોરણો ઉપર તા.૦૧/૦૧/૨૦૦૬ થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતોવખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૦૯ અનુસારના પગારધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૧૯૯૮ હેઠળના પગારધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં છેલ્લે, વંચાણે લીધેલ (૪) પરના નાણા વિભાગના તાઃ૧૬/૧૦/૨૦૨૪ ના ઠરાવ મુજબ હાલમાં પાંચમા પગારપંચ મુજબ પગાર મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને તા.૦૧/૧૦/૨૦૨૪ થી ૩૮૧% ના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે.