ગુજરાતમાં સાયબર ક્રાઈમના આંકડા ચોંકાવનારા છે, જ્યાં દર કલાકે સરેરાશ ૨૧ અને દરરોજની અંદાજે ૫૦૦ ફરિયાદો નોંધાઈ

ગુજરાતમાં સાયબર ક્રાઈમના આંકડા ચોંકાવનારા છે, જ્યાં દર કલાકે સરેરાશ ૨૧ અને દરરોજની અંદાજે ૫૦૦ ફરિયાદો નોંધાઈ રહી છે. આજના ટેકનોલોજીના જમાનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) જેટલું આશીર્વાદરૂપ છે, એટલું જ તે હવે સાયબર ગુનેગારો માટે મોટું હથિયાર બની ગયું છે. ગુજરાત હાઈકોર્ટે પણ એઆઈના ભયજનક પાસાઓને ધ્યાને રાખીને અદાલતોમાં તેનો સીમિત ઉપયોગ કરવાની નીતિ જાહેર કરી છે.

ભારતમાં સાયબર ઠગાઈનો નવો ટ્રેન્ડ ‘એઆઈ વોઈસ સ્કેમ’ છે. એક સરવે મુજબ દેશમાં ૮૩% લોકો એઆઈ વોઈસ સ્કેમનો શિકાર બને છે. માત્ર ૧૭% લોકો જ આ પ્રકારની ઠગાઈથી બચી શકે છે. ૪૭% યુવાનો અને બાળકો ડીપફેક કે વોઈસ ક્લોનિંગની જાળમાં ફસાય છે, જ્યારે સીનિયર સિટીઝનમાં આ આંકડો ૪૫% સુધી પહોંચી ગયો છે.

સાયબર ગઠિયાઓ હવે એઆઈનો ઉપયોગ કરીને આધાર કાર્ડ સાથે લિન્ક થયેલા મોબાઈલ નંબર બદલી નાખે છે. એટલું જ નહીં, એઆઈ નિર્મિત નકલી વીડિયો કે ‘આઈ-બ્લીન્ક એનિમેશન’ દ્વારા બેન્કિંગના બાયોમેટ્રિક સિક્યોરિટી પ્રોટોકોલને પણ બાયપાસ કરી દેવામાં આવે છે, જેનાથી સામાન્ય નાગરિકોના બેન્ક ખાતા મિનિટોમાં સાફ થઈ જાય છે.

એક જ વ્યક્તિ, અનેક અવાજઃ સાયબર ગઠિયા એઆઈ સોફ્ટવેરની મદદથી પોતાનો અવાજ બદલીને ક્યારેક મહિલા તો ક્યારેક પોલીસ અધિકારી કે બેન્ક કર્મચારી તરીકે વાત કરીને લોકોને ડરાવે છે અથવા લાલચમાં ફસાવે છે.

સાયબર ક્રાઈમનું નેટવર્ક કમ્બોડિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દેશોમાંથી ઓપરેટ થાય છે. મુખ્ય સૂત્રધારો વિદેશમાં બેસીને સુરક્ષિત રહે છે, જ્યારે પૈસાની હેરાફેરીમાં મદદ કરનારા સ્થાનિક લોકો પોલીસના હાથે ઝડપાઈ જાય છે.

ગુજરાત સાયબર ક્રાઈમ બ્રાન્ચના મતે, લોકોમાં પોતાની અને પરિવારની વિગતો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાનું ઘેલું લાગ્યું છે. સાયબર ચાંચિયાઓ ઓપન પ્રોફાઈલમાંથી તસવીરો મેળવી, ડીપફેક દ્વારા નકલી પ્રોફાઈલ બનાવી તમારા નજીકના સંબંધીઓ સાથે છેતરપિંડી કરે છે.

નોંધનીય છે કે, જ્યાં સુધી સામાન્ય નાગરિકોમાં ટેકનોલોજીના દુરુપયોગ અંગે જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી આ ડિજિટલ ઠગાઈ પર અંકુશ મેળવવો મુશ્કેલ છે.