
રાજ્યમાં ઇંધણના પુરવઠાની અછતની અફવાને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સક્રિય થઈ ગયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. નાગરિકોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. સીએમ ભુપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટે નમ્ર અપીલ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વસ્તરે પણ વિપરીત વૈશ્વીક પરિસ્થિતિમાં ભારત સરકાર ઇંધણનો પુરવઠો જાળવી રાખવામાં સફળ રહી છે. તેથી રાજ્યમાં અને દેશમાં ઇંધણ પૂરતા પ્રમાણમાં છે. તેના કારણે લોકો બિનજરૂરી લાઇન ન લગાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહો. પેટ્રોલ-ડીઝલ કે ગેસ કોઈની પણ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પરિસ્થિતિ પર ચાંપતી નજર છે. તેથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછતના મોરચે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી.
નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ જ વાત અગાઉ જણાવી હતી અને પેટ્રોલ-ડીઝલના પૂરતા પુરવઠાની ખાતરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એક મહત્વની બેઠક યોજી હતી અને સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઇંધણનું કોઈ સંકટ નથી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ઇંધણના પ્રવર્તમાન જથ્થા અંગે હાઈ-લેવલ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર બે દિવસે રાજ્યમાં ઇંધણના જથ્થાનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરતા ખાતરી આપી હતી કે રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેથી જનતાએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.
હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને જણાવ્યું છે કે, “સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો. આવી અફવાઓ ફેલાવવી એ ગુનો છે. જો ક્યાંય પણ સપ્લાયમાં ટેકનિકલ ઇસ્યુ હશે, તો તંત્ર તાત્કાલિક તેનું નિરાકરણ લાવવા માટે સજ્જ છે.”