
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો સક્રિય થવાના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી ૭ દિવસ સુધી ગાજવીજ, તેજ પવન અને વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જાકે વરસાદની આગાહી વચ્ચે ગરમીથી તાત્કાલિક રાહત મળવાની શક્્યતા ઓછી હોવાનું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ઉકળાટ અને બફારાની સ્થિતિ યથાવત રહી શકે છે. બપોરના સમયે તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે, જ્યારે સાંજના સમયે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે.
આ દરમિયાન આરોગ્ય વિભાગે પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. વધતી ભેજ અને ઉકળાટને કારણે વિવિધ રોગચાળો ફેલાવાની શક્યતા રહેતી હોવાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને એલર્ટ રહેવા જણાવાયું છે.
બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસોમાં પવનની ગતિમાં વધારો થવાની શક્્યતા છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા મધ્ય દરિયામાં રહેલા માછીમારોને પણ ડિજિટલ વાયરલેસ સિસ્ટમ મારફતે નજીકના બંદર પર પરત ફરી જવા સંદેશા મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે.