
ગુજરાતના ન્યાયતંત્રમાં શિસ્ત અને પારદર્શિતા જાળવી રાખવા માટે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત કડક અને મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત હાઈકોર્ટની ભલામણને પગલે રાજ્યના કાયદા વિભાગ દ્વારા પાંચ ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ’ફરજિયાત નિવૃત્તિ’ આપતો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ઓચિંતા પગલાથી રાજ્યની લોઅર જ્યુડિશિયરી (નીચલી અદાલતો) માં ભારે ખળભળાટ અને ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતા પાંચ ન્યાયાધીશોની કામગીરી અને અન્ય પાસાઓની સમીક્ષા કર્યા બાદ તેમને ફરજિયાત નિવૃત્ત કરવાની ભલામણ રાજ્યપાલશ્રીને કરવામાં આવી હતી. રાજ્યપાલ દ્વારા આ ભલામણનો સ્વીકાર કરાતા, કાયદા વિભાગે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ-૨૦૦૫ અને ગુજરાત સિવિલ સર્વિસ (પેન્શન) રૂલ્સ-૨૦૦૨ના નિયમો હેઠળ આ પાંચેય જજોને તાત્કાલિક અસરથી સેવામુક્ત કરી દીધા છે.
ફરજિયાત નિવૃત્ત કરવામાં આવેલા ન્યાયાધીશોમાં મોરબીના બે અને પોરબંદર, મોડાસા તથા રાજકોટના એક-એક જજ સામેલ છે. જેમની વિગતો જાણીએ તો ૧. પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ, પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, મોરબી, ૨. પ્રશાંત વિનોદરાય જોશી, પ્રિન્સીપાલ જજ, ફેમીલી કોર્ટ, મોરબી. ૩. અલીહુસૈન મોહીબુલ્લાહ શેખઃ પ્રિન્સીપાલ જજ, ફેમીલી કોર્ટ, પોરબંદર. ૪. કિર્તીકુમાર જયંતિલાલ દરજીઃ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ, મોડાસા. આ ઉપરાંત અન્ય એક ન્યાયાધીશ સહિત કુલ પાંચ સામે કડક કાર્યવાહી કરાઈ છે.
સામાન્ય રીતે ન્યાયિક અધિકારીઓ સામે આ પ્રકારની કડક કાર્યવાહી જૂજ કિસ્સાઓમાં જોવા મળતી હોય છે. એકસાથે પાંચ જેટલા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ન્યાયાધીશોની હકાલપટ્ટી થતાં કાયદાકીય જગતમાં અનેક ચર્ચાઓ જાગી છે. આ નિર્ણય પાછળના ચોક્કસ કારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ ન્યાયતંત્રની ગરિમા જાળવવા માટે આ પગલું લેવાયું હોવાનું મનાઈ રહ્યું છે.
નોંધપાત્ર છે કે રાજ્યના કાયદા વિભાગે ગુજરાત સિવિલ સર્વિસ (પેન્શન) રૂલ્સ-૨૦૦૨ના રૂલ-૧૦(૪) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે.