ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી ઓન્લી મોબાઇલ નામની દુકાનના સંચાલક વિદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ એસ.ઓ.જી. શાખા ધ્વારા ગોધરામાં બી.વી. ગાંધી પેટ્રોલ પંપની સામે, બામરોલી રોડ પર ઓન્લી મોબાઇલ નામની દુકાન ચલાવતા જગદીશકુમાર રણછોડભાઇ ચૌહાણની દુકાને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાનના સંચાલક પોતાની દુકાને નવા તથા જૂના મોબાઈલ ફોનના વેચાણનો વેપાર કરે છે. પંચમહાલ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ જૂના અને નવા મોબાઈલ ફોનના લે-વેચ સંબંધિત વિગતોનું યોગ્ય રજીસ્ટર નિભાવવું ફરજીયાત છે. જોકે, તપાસ દરમિયાન દુકાનદાર દ્વારા આ પ્રકારનું કોઈ યોગ્ય રજીસ્ટર રાખવામાં આવતું ન હોવાનું સામે આવ્યું હતું. આથી સરકારી જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસમથકે જગદીશકુમાર ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.