ગોધરામાં જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

ભક્તિ સાથે માનવસેવાનો અનોખો સંદેશ અપાયો.

ગોધરા શહેરમાં વર્ષો અગાઉ જલારામ ભક્તો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા જય જલારામ મંદિરે પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. જન્મજયંતીના પાવન અવસરે મહાઆરતી, પાદુકા પૂજન અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગોધરામાં જલારામ ભક્તો દ્વારા માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં, પરંતુ સેવાકાર્યને પણ વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગોધરામાં મીની વીરપુર જેવો સેવાભાવી માહોલ ઊભો થાય તેવા ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણીના જલારામ બાપાના માનવતાવાદી સંદેશને સાકાર કરવા ભક્તો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જલારામ બાપાની ભક્તિની સાથે માનવસેવાને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. ગોધરાના જલારામ ભક્તો દ્વારા કરવામાં આવતી આ સેવાપ્રવૃત્તિઓ સમાજમાં સેવા, સમર્પણ અને માનવતાની ભાવનાને ઉજાગર કરી રહી છે.