ગોધરાના કેવડિયામાં રસ્તો ક્રોસ કરતા ઈસમને બાઈક ચાલકે અડફેટે લેતા મોત

કેવડિયા બસ સ્ટેન્ડ સામે રોડ ક્રોસ કરી રહેલા રંજનભાઈ મોહનભાઈ પટેલને બાઈક ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. ગોધરા તાલુકા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે.

ગોધરા તાલુકાના કેવડિયા બસ સ્ટેન્ડ પાસે તા.૨૯ ઓકટો.ના રોજ સવારે રંજનભાઈ મોહનભાઈ પટેલ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક મોટરસાયકલના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રંજનભાઈને જોરદાર ટકકર મારી અડફેટે લીધા હતા.જેથી રંજનભાઈ ફંગોળાઈને નીચે પટકાયા હતા. જેના કારણે તેમના શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તરત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતુ. અકસ્માત અંગે મૃતકના પિતા મોહનભાઈ ગુલાબભાઈ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.