ફતેપુરામાં ડમ્પરની ટકકરે શાળાનુ શોૈચાલય ધરાશાઈ

ફતેપુરા તાલુકામાં છેલ્લા ધણા સમયથી ખનીજ ભરેલા બેફામ દોડતા ડમ્પરોને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. પાટવેલ-રાજસ્થાન બોર્ડર તરફથી ગુજરાતમાં મોટાપાયે કપચીની ખનીજ ચોરી કરી સંતરામપુર અને લુણાવાડા તરફ લઇ જવામાં આવે છે. આ સાથે છોટાઉદેપુર અને સંતરોડ સહિતના વિસ્તારોમાંથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો ફતેપુરા થઈ રાજસ્થાન બોર્ડર તરફ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. બેફામ રીતે હંકારતા આ ડમ્પરો અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત જોખમ ઉભું કરી રહ્યા છે. થોડા મહિના અગાઉ પણ લીમડીયા ગામે ડમ્પરની અડફેટે એક યુવકનુ અકસ્માત થતાં મોત નીપજયું હતુ.

દરમિયાન તાજેતરમાં જ ફતેપુરાની બાયપાસ ચોકડી પાસે એક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે ગતિ પરનો કાબુ ગુમાવ્યો હતો. ડમ્પરે બાયપાસ ચ્ોકડી પર આવેલ હોળી ફળિયા વર્ગ શાળાની દિવાલને ધડાકાભેર ટકકર મારી હતી. આ ટકકર એટલી જોરદાર હતી કે, શાળાની દિવાલ નજીક આવેલુ શોૈચાલય જમીનદોસ્ત થઈ ગયુ હતુ. ધડામ દઇને અવાજ આવતા જ આસપાસના લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા. સદ્નસીબે શાળા નજીક કરિયાણાની દુકાન ધરાવતા વેપારીનો આકસ્મિક બચાવ થયો હતો. જેથી મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક અને કંડકટર ડમ્પર ધટના સ્થળે મુકી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમણે અજાણ્યા ડમ્પર ચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તેમજ તાલુકામાં બેફામ ચાલતા ખનીજ ચોરોના ડમ્પરો પર તાત્કાલિક લગામ લગાવવાની ઉગ્ર માંગ કરી છે.