ગૌ તસ્કરી કરતી ભૂપલી ગેંગના 6 સાગરીતો પર ગુજસીટોક:વડોદરા સ્પેશિયલ કોર્ટે પકડાયેલા બે આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પંચમહાલ જિલ્લામાં ગોવંશ તસ્કરી અને ગોવંશ કતલ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત ‘ભોપલી ગેંગ’ સામે પોલીસે કાયદાનું સૌથી કડક શસ્ત્ર ઉગામ્યું છે. ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓને વડોદરાની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બે આરોપીઓના 30 જૂન સુધી 13 દિવસના રિમાન્ડ મંજૂર પોલીસે અહેમદ હુસેન સિદ્દીક વસ્કા ઉર્ફે મોહસીન પૌવા અને સલમાન યામીન હસન ઉર્ફે કાનકટ્ટાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ગુજસીટોકના સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર રઘુવીર પંડ્યાની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓના આગામી 30 જૂન સુધી એટલે કે 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પંચમહાલ પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગનો લાંબો ગુનાહિત ઇતિહાસ અને સમાજ પર તેની થતી ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુનો નોંધાતાં જ પોલીસ ટીમોએ તાત્કાલિક ઓપરેશન હાથ ધરી ગેંગના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.

અન્ય ચાર આરોપીઓમાંથી 3 ગોધરા અને રાજપીપલા સબ જેલમાં આ સમગ્ર કેસમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે કુલ છ આરોપીઓ વિરુદ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે કે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પંચમહાલ LCB દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અહેમદ હુસેન સિદ્દીક વસ્કા અને સલમાન યામીન હસન ઉર્ફે કાનકટ્ટાની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઇમ્તિયાઝ અબ્દુલ હમીદ સુરતી ઉર્ફે ભોપલી, સલમાન કાશીમ મીઠા કુલ્ફી ઉર્ફે અલ્લુ બોય, રુહુલ અમીન રજજાક દુર્વેશ અને સુફિયાન મેહબૂબ પઠાણને પણ આરોપી તરીકે નામજદ કરવામાં આવ્યા છે. હાલ કેટલાક આરોપીઓ અન્ય ગુનાઓમાં ગોધરા અને રાજપીપલા સબ જેલમાં બંધ હોવાથી પંચમહાલ પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે તેમનો કબજો મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછથી ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ, અન્ય સાગરીતો અને સમગ્ર નેટવર્ક અંગે મહત્વની માહિતી બહાર આવવાની શક્યતા છે.