ગોધરા બિસ્કિટનો જથ્થો ખાલી કરવા આવેલ હરિયાણાના ટ્રક ચાલકને હાઈ ટેન્શન વીજ કરંટ લાગતા દાઝ્યો

ગોધરામાં બિસ્કિટનો જથ્થો ખાલી કરવા આવેલા હરિયાણાના ટ્રક ચાલકને વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જવાની ધટના બની હતી. દાઝી ગયેલ ટ્રક ચાલકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મુળ હરિયાણાના વતની ટ્રક ચાલક ગગન સુરેશભાઈ નાયક બામરોલી અયોધ્યા નગર સોસાયટી વિસ્તારમાં આવેલા એક વેપારીના ત્યાં બિસ્કિટનો જથ્થો ખાલી કરવા માટે ટ્રક લઈને આવ્યો હતો. દરમિયાન તેઓ ટ્રકની ઉપરના ભાગે આરામ કરી નીચે ઉતરી રહ્યા હતા. તે સમયે અકસ્માતે નજીકથી પસાર થઈ રહેલ હાઈટેન્શન વીજ વાયરને તેમનો હાથ અડી જતાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ ધટના બનતા જ આસપાસના લોકો અને વેપારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. વીજ ઝટકાના કારણે ચાલક ગગનભાઈ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જયાં તેઓ હાલ સારવાર હેઠળ છે.