ગોધરા શહેરમાં અમદાવાદ હાઈવે નજીક આવેલી અનેક સોસાયટીના માર્ગો કાચા અને બિસ્માર હાલતમાં જોવા મળે છે. ચોમાસામાં સ્થાનિક રહિશો વરસાદી પાણીથી ભરાયેલા ખાડા ખાબોચિયા વાળા માર્ગો પરથી આવવા-જવા મજબુર બન્યા છે. ગત વર્ષે પણ આ સોસાયટીના રહિશોએ નગરપાલિકા અને સંબંધિત વિભાગને લેખિત અને મોૈખિક રજુઆતો કરવા છતાં આજે પણ પરિસ્થિતિ જૈસે થે…જોવા મળે છે.
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં અમદાવાદ હાઈવે રોડ નજીક કોલીયારી, દણિયા, અને અબ્રાહમ પટેલના મુવાડા ગામ તરફ જવાના માર્ગ ઉપર રાધાકૃષ્ણ પાર્ક, સરસ્વતી સોસાયટી, જય માતાજી સોસાયટી, લક્ષ્મણ નગર, રાધા માધવ પાર્ક, ચંદ્ર નગર સહિતની અનેક સોસાયટીઓ આવેલી છે. જયાં અંદાજિત ૩૦૦થી ૪૦૦ મકાનોમાં ૨૦૦૦થી વધુની વસ્તી વસવાટ કરે છે. આ સોસાયટીઓ તરફ જવાનો માર્ગ આજે પણ કાચો અને બિસ્માર હાલતમાં છે. સ્થાનિક રહિશો દ્વારા ગત વર્ષે પણ નગરપાલિકા અને વોર્ડ સદસ્યોને પાકો આરસીસી માર્ગ બનાવવા લેખિત અને મોૈખિક રજુઆત કરી હતી. પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. જેના કારણે સ્થાનિક રહિશોને ચોમાસામાં વરસાદી પાણી ભરાતા કાદવ-કિચડ, ખાડા ખાબોચિયા વાળા માર્ગો ઉપરથી આવન-જાવન કરવી પડે છે. સોસાયટીના રહિશોએ સ્વખર્ચે ઈંટોના રોડા નંખાવી માર્ગને આવવા-જવા માટે કાર્યરત કર્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર કે બીજા કોઈ તાત્કાલિક જરી વાળા સાધનો આવન-જાવન કરી શકે તેવી શકયતા જણાતી નથી. વિસ્તારના બાળકોને શાળાએ, નોકરિયાત વર્ગ, ધંધાદારી વર્ગને આવન-જાવન કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે સ્થાનિકો દ્વારા પાકો રસ્તો બનાવવા માંગ કરાઈ છે.