ગોધરા તાલુકાના ખરસાલિયા રેલ્વે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડતા વાહનચાલકો પરેશાન

ગોધરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારના ગામોને હાલોલ, વડોદરા, પાવાગઢ સાથે જોડતા ટુવા-વેજલપુર રોડ પર ખરસાલીયા રેલ્વે ઓવરબ્રિજની કામગીરી ત્રણ-ચાર માસથી બંધ રહેતા હજારો વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.

તાલુકાના પશ્ર્ચિમી ગામોને વડોદરા, હાલોલ, પાવાગઢ સાથે જોડતા ટુવા-મહેલોલ વેજલપુર રોડ પર ખરસાલીયા ગામ પાસેથી પસાર થતી રેલ્વેની મુંબઈ-વડોદરા-દિલ્હી મુખ્ય ટ્રેક પર ખરસાલીયા ફાટક પર કલાકો સુધી અને થોડી થોડી વારે ફાટક બંધ થતાં અહિંયા તંત્ર દ્વારા વાહનચાલકો અને મુસાફરો તેમજ ટુવા, પાવાગઢ, ડાકોર યાત્રાધામ ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઓવરબ્રિજ મંજુર કરાયો છે. ત્યારે આ ઓવરબ્રિજની કામગીરી આશરે ત્રણ-ચાર વર્ષ પહેલા ચાલુ થઈ હતી. અત્યારે લગભગ મોટાભાગની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. પણ રેલ્વે ટ્રેક પર ક્રોસ કરવાનુ સ્ટ્રકચરની કામગીરી આશરે ત્રણ-ચાર માસથી બંધ હાલતમાં હોય હજારો વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.