ગોધરા શહેર અને ગ્રામ્યમાં રખડતા શ્ર્વાનોનો ત્રાસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. એક જ દિવસમાં 25થી વધુ લોકોને કરડવાના કેસ નોંધાતા સ્થાનિકો માટે ભયનો માહોલ સર્જાયો છે. અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરા શહેરમાં એક જ દિવસમાં 25થી વધુ લોકોને રખડતા શ્ર્વાને કરડવાના કેસ નોંધાયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા છે. ધામરોદ ગામે ચેતના માલીવાડ નામની નાની બાળકી પર રખડતા શ્ર્વાને અચાનક ઝાપટો મારતા તેની ગળાની આસપાસ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી એક ધટનામાં પાંચ વર્ષના માસુમ બાળક પર રખડતા શ્ર્વાને હુમલો કર્યો હતો. જેમાં તેને પણ ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળકોને તાત્કાલિક ગોધરા સિવિલ ખસેડાયા હતા. શહેરમાં રખડતા શ્ર્વાનોની સંખ્યા બેફામ વધી રહી છે. શહેરીજનોમાં ગભરાટ ફેલાયો છે. અને લોકો ધરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શ્ર્વાનોને પકડવા અને તેમની નસબંધી કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠી છે.