ગોધરા સબ-જેલમાં સત્સંગ:150થી વધુ કેદીઓને આત્મસુધારણાનો સંદેશ અપાયો

ગોધરા સબ-જેલમાં સાવન કૃપાલ રૂહાની મિશન, ગોધરા સેન્ટર દ્વારા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150 થી વધુ કેદીઓએ ભાગ લઈને સત્સંગનો લાભ લીધો હતો.

સંત રાજીન્દર સિંહજી મહારાજના આશીર્વાદથી યોજાયેલા આ સત્સંગમાં કેદીઓને ગુનાથી દૂર રહેવા, સાચા માનવી તરીકે જીવન જીવવા અને આધ્યાત્મિક માર્ગ અપનાવવા માટે પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો. તેમને નિયમિત ધ્યાન અભ્યાસ કરવા માટે પણ માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વર્ષ 2001 થી ગોધરા સબ-જેલમાં નિયમિત રીતે યોજાતો આવ્યો છે, જે કેદીઓના આત્મસુધારણા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે.

સંત રાજીન્દર સિંહજી મહારાજ વિશ્ર્વભરમાં પ્રવાસ કરીને ધ્યાનની ટેકનિકો શીખવાડે છે, જેથી વ્યક્તિ પોતાનો સાચો હેતુ ’આપને ઓળખવું અને પરમાત્માને પામવું’ પૂર્ણ કરી શકે. તેમનો સત્સંગ આસ્થા ચેનલ પર સોમવારથી શનિવાર સવારે 8:20 થી 8:40 દરમિયાન પ્રસારિત થાય છે. સાવન કૃપાલ રૂહાની મિશનના વિશ્ર્વભરમાં 3200 થી વધુ કેન્દ્રો છે અને તેના સાહિત્યનો અનુવાદ 55 થી વધુ ભાષાઓમાં થયો છે, જે તેની વૈશ્ર્વિક પહોંચ દર્શાવે છે.