
ગોધરા કોર્ટ બાદ ૨૦૦૨ના રમખાણોના ૧૧ આરોપીઓને હાઇકોર્ટે પણ નિર્દોષ છોડ્યા છે. આ મામલે સંતરામપુરમાં એક હજારના ટોળાએ લઘુમતી કોમના ઘરમાં આગ લગાડી લૂંટ કરી હોવાનો આરોપ હતો. જેમાં ૧૧ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમની સામે ગોધરાની સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં વર્ષ ૨૦૦૪માં ગોધરાની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા તમામ આરોપીઓની નિર્દોષ છોડ્યા હતા. જેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે પણ ગોધરા સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે.
આ કેસની વિગત એવી છે કે ગોધરા કાંડ બાદ પંચમહાલના સંતરામપુરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. હથિયારો સાથે ટોળાંએ ઘર, વાહન, કોમશયલ કોમ્પ્લેક્સમાં આગ લગાવી હતી. આશરે ૧૦૦૦ જેટલા વ્યક્તિઓનું ટોળું રાત્રે ૧૦ વાગે લઘુમતી કોમની મિલક્તોને નુક્સાન કરવા અને લૂંટવાના ઇરાદે નવી વસાહતમાં ગયું હતું. જ્યાં પથ્થરમારો થયો હતો અને વાહન, મકાનો તેમજ કોમશયલ બિલ્ડિંગોમાં આગ લગાવીને લાખોની લૂંટ કરવામાં આવી હતી.
સ્થાનિક પોલીસે ત્યાં પહોંચીને હવામાં ફાયરિંગ કરતા ટોળું ભાગી ગયું હતું. લઘુમતી કોમના વ્યક્તિઓ શહેર તરફ ભાગી નીકળ્યા હતા. ૩૯ ઘરમાં આગજની કરાઈ હતી. તેના ત્રણ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં ૨૧ સાહેદ અને ૧૦ દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા હતા. એક આરોપીએ કહ્યું હતું કે ફરિયાદ કરનાર લઘુમતી કોમના સગા ભાઈએ એક બહુમતી કોમની દીકરીનું અપહરણ કર્યું હતું. જેથી તેનું ખોટું નામ પોલીસ ફરિયાદમાં આપી દેવાયું છે. ગોધરાની કોર્ટે નોંયું હતુ કે ફક્ત ઘટના સ્થળે હાજર હોવાથી ગુનામાં સક્રીય ભાગીદાર કહી શકાય નહીં. ફરિયાદીએ કોર્ટ સમક્ષ અને પોલીસ તપાસમાં વિરોધાભાસી નિવેદનો આપ્યા છે. જેથી આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
એક સાહેદે પોલીસ નિવેદનમાં લખાવ્યું હતું કે એક આરોપીએ કેરોસીન છાંટી આગ લગાવી હતી. પરંતુ આ કેસમાં ઘણા સાક્ષી ફરી ગયા હતા. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે ફરિયાદીને આરોપીઓના ખોટા નામ ફરિયાદમાં લખાવવાનો કોઈ હેતુ નથી. ઘટના બની છે અને આગ લાગી છે તે વાત સત્ય છે. આરોપીના વકીલે દલીલ કરી હતી કે ચાર દિવસ મોડી ફરિયાદ દાખલ કરાઈ છે. ફરિયાદીએ વધારી ચઢાવીને કોર્ટ સમક્ષ નિવેદન આપ્યા છે, જેવું તેને તપાસમાં કંઈ કહ્યું નહોતું. ગોધરાકાંડનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતર્યા હતા. જે બધાને આરોપી કહી શકાય નહીં.
હાઇકોર્ટે ગોધરા સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા નોંયું હતું કે ફરિયાદીએ પોલીસ અને કોર્ટ સમક્ષ અલગ અલગ નિવેદન આપ્યા હતા. લઘુમતિ કોમના સભ્ય દ્વારા હિન્દુ યુવતીના અપહરણની વાત પણ સાચી છે. જે સંદર્ભનો કેસ પણ નોંધાયો છે. ફરિયાદી અને તેના સગા ભાઈએ આરોપીઓના નામ આપ્યા છે બીજા કોઈએ નહીં. ગોધરાકાંડના વિરોધમાં હજારો લોકો રસ્તા ઉપર હતા. જ્યારે આવો જાહેર કેસ હોય ત્યારે કોઈ સામાન્ય પ્રકારના નિવેદનોને આધારે નિર્ણય લઈ શકાય નહીં.