ચૂંટણી પહેલા જ ભાજપનું ‘ઓપરેશન ક્લીન’: શિસ્ત ભંગ બદલ કમલેશ માવી સહિત 6 સભ્યો 5 વર્ષ માટે સસ્પેન્ડ.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે ગરબાડાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ પક્ષના શિસ્ત અને આદર્શોનું ઉલ્લંઘન કરનારા 6 જેટલા હોદ્દેદારો સામે લાલ આંખ કરી છે. ભાજપના અધિકૃત ઉમેદવારો સામે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી પક્ષને પડકાર ફેંકનારા બળવાખોર નેતાઓને તાત્કાલિક અસરથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કોની સામે પડી પક્ષની ગાજ?
પાર્ટી દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયમાં જિલ્લા અને મંડળ સ્તરના મહારથીઓનો સમાવેશ થાય છે:

  • કમલેશ માવી: પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન
  • રમીલાબેન ભુરીયા: જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ
  • માનાભાઈ હઠીલા: મંડળ ઉપપ્રમુખ
  • વિક્રમ ભાભોર: એસ.ટી મોરચા પ્રમુખ
  • લલીતભાઈ પરમાર: મંડળ કારોબારી સભ્ય
  • પ્રદીપભાઈ ભુરીયા: શક્તિ કેન્દ્ર સંયોજક

કેમ લેવાયો આ નિર્ણય?
રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ તમામ સભ્યોએ પક્ષના આદેશ વિરુદ્ધ જઈને સ્થાનિક ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષમાં શિસ્ત સર્વોપરી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગમે તેટલો મોટો હોદ્દેદાર હોય, તેને સાંખી લેવામાં આવશે નહીં.

આ મોટા ઓપરેશન બાદ ગરબાડાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે જોવાનું એ રહેશે કે આ સસ્પેન્શનની અસર આગામી ચૂંટણીના પરિણામો પર કેવી પડે છે.