ફતેપુરા ખાતે ૧૬ વર્ષિય સગીર પ્રેમીએ ૧૪ વર્ષની પ્રેમિકાને દુપટ્ટાથી ફાંસો આપી કુવામાં ફેંકી દીધી હોવાનો ધટસ્ફોટ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જગોલા ગામમાંથી રૂંવાડા ઉભા કરી દે તેવી ધટના સામે આવી છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ફલવા ગામે રહેતી એક સગીરાની તેના જ સગીર પ્રેમી દ્વારા શંકામાં ગળે ટુંપો આપવા સાથે કુવામાં પધરાવી દઈને અત્યંત ક્રુરતાપુર્વક હત્યા કરાઈ હોવાનો પર્દાફાશ થયો છે. આ ધટનાએ બંને રાજયના સરહદી વિસ્તારોમાં ચકચાર મચાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા ફલવા ગામના ૧૬ વર્ષિય સગીરે તેની ૧૪ વર્ષિય સગીર પ્રેમિકાને જગોલા ગામે ડુંગર પર ત્રણબાણ નામે ઓળખાતી નિર્જન જગ્યાએ ગત ૨૬મી ની રાત્રિએ મળવા બોલાવી હતી. સગીર પ્રેમિકાને ફોન વ્યસ્ત આવવાના મુદ્દે પ્રેમીના મનમાં શંકાએ ધર કરી લીધુ હતુ. આ જ શંકામાં તેને ઉશ્કેરાઈ જઈ ‘તુ મારી નહિ થાય તો બીજા કોઈની પણ નહિ થવા દઉં’ તેમ કહીને પ્રેમિકાના ગળામાં પ્રેમીએ દુપટ્ટાનો એક છેડો પોતાના પગ નીચે મજબુતાઈથી દબાવી રાખીને બીજો છેડો હાથથી જોરથી ખેંચીને નિર્દોષ સગીરાનો સ્થળ પર જ શ્ર્વાસ રૂધી નાંખ્યો હતો. પ્રેમિકા બેભાન થઇને મૃત્યુ પામી હોવાનુ માન્યા બાદ પણ પ્રેમીનુ રાક્ષસી કૃત્ય અટકયુ ન હતુ. પ્રેમી તેના મૃતદેહને ઉંચકીને ધટના સ્થળેથી માત્ર ૫૦ મીટર દુર આવેલા કુવા પાસે પહોંચ્યો હતો. ત્યાં તેણે પ્રેમિકાને દુપટ્ટા વડે કોઈ કારણોસર પથ્થર વડે દુપટ્ટો વચ્ચેથી કાપી નાંખી તેને પાણીમાં નાંખી દીધી હતી. આટલુ જ નહિ, પુરાવાના નાશના હેતુથી તેણે દુપટ્ટાનો બાકીનો અડધો ભાગ સળગાવી પણ દીધો હતો. ફતેપુરા પોલીસની ટેક્નિકલ સર્વેલન્સ અને ઉંડાણપુવૃક કરેલી સઘન તપાસના આધારે ભેદ ખુલ્યો હતો. સગીરાનુ મોત શ્ર્વાસ રૂધાવાથી થયુ છે કે પછી પાણીમાં ડુબવાથી તે પી.એમ.રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.