
ઘોઘંબા તાલુકામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ગત સિઝનની સરખામણીએ આ વર્ષે વરસાદમાં આશરે ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત સિઝનમાં અત્યાર સુધીમાં ૮૦ ટકા વરસાદની સામે ચાલુ વર્ષે માત્ર ૪૯ ટકા વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
૧૨ ઓગસ્ટ ૨૦૨૬ની સ્થિતિ મુજબ કરાડ ડેમનું લેવલ ૧૩૫.૨૦ ફૂટ નોંધાયું છે. ડેમની કુલ ક્ષમતા ૪૪૩.૬૦ ફૂટ, ગ્રોસ સ્ટોરેજ ૨૧.૦૫ અને લાઇવ સ્ટોરેજ ૧૮.૬૭ દર્શાવવામાં આવી રહ્યો છે. હાલમાં ડેમમાં ૧૩૦ની પાણીની આવક નોંધાઈ છે, જ્યારે આઉટફ્લો શૂન્ય છે.
તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સિઝનનો કુલ વરસાદ ૫૩૩ મીમી થયો છે. જોકે, વરસાદની અછતના કારણે કરાડ ડેમ હજુ સંપૂર્ણ ભરાયો નથી.
ખેડૂતોમાં સૌથી મોટી ચિંતા એ છે કે જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે અને કરાડ ડેમ સંપૂર્ણ સપાટીએ નહીં પહોંચે તો ઉનાળાની સિઝનના અંતિમ દિવસોમાં હજારો એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણીની અછત સર્જાઈ શકે છે. જેના કારણે ખેડૂતોને આગામી પાક માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં થનારા વરસાદ પર મંડાયેલી છે અને કરાડ ડેમમાં પાણીની આવક વધે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.