ઘોઘંબા તાલુકાના ૨૦થી વધુ ગામોમાં ત્રણ માસથી એગ્રિકલ્ચર વીજ પુરવઠો અનિયમિત રહેતા ખેડુતોએ વેજલપુર એમજીવીસીએલ કચેરીએ સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યુ હતુ. કરાડ ડેમમાં પાણી ન હોવાથી ખેડુતો કુવા-બોર પર નિર્ભર છે. ખેડુતોએ બે દિવસમાં વીજળી નહિ મળે તો કચેરી બહાર ભુખ હડતાળ કરાશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી અનિયમિત અને અપુરતો વીજ પુરવઠો મળતા ખેડુતોની હાલત કફોડી બની છે. જેના વિરોધમાં ભીલોડ, દાંતોલ અને ચાંદાપુરી સહિત ૨૦થી વધુ ગામોના ખેડુતોએ એકત્ર થઈ વેજલપુર સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ની કચેરી ખાતે ઉગ્ર સુત્રોચ્ચાર કરી હલ્લાબોચ મચાવ્યો હતો. નિયમ મુજબ મળતો એગ્રિકલ્ચર વીજ પુરવઠો ૩ માસથી મળતા ખેડુતો રોષે ભરાઇને વેજલપુર ખાતે વીજ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. ખેડુતોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી ખેતીવાડી માટે પુરતા પ્રમાણમાં વીજળી મળતી નથી. જેના કારણે ઉભા ૫ાકને સમયસર પાણી મળી શકતુ નથી. અને ખેડુતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વારંવારની રજુઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નકકર પગલા ન લેવાતા આખરે ખેડુતોનો રોષ ફાટી નીકળ્યો હતો. વેજલપુર એમજીવીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેડુતોએ અધિકારીઓને ધેરાવ કરી લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ખેડુતોએ તાત્કાલિક ધોરણે પુરતો અને નિયમિત વીજ પુરવઠો પુરો પાડવાની માંગ કરી છે. સાથે જ ચિમકી ઉચ્ચારી છે કે, જો બે દિવસમાં આ સમસ્યાનુ યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંઘ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામા: આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.