
-૧૧થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યુવા સભા, મહિલા સંમેલન અને પરંપરાગત રમતોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ૧૧થી ૧૮ નવેમ્બર દરમિયાન ગુજરાતભરમાં જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત ઝાલોદ એ.પી.એમ.સી. ખાતે ૧૩૦-ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાના અધ્યક્ષસ્થાને ભાજપની મંડલ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રફુલભાઈ ડામોર અને રાહુલભાઈ રાવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જનજાતીય ગૌરવ સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન, જવાબદારીઓની વહેંચણી અને કાર્યકરોની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સપ્તાહ દરમિયાન ૧૩ નવેમ્બરે યુવા સભા, ૧૪ નવેમ્બરે સ્વચ્છતા અભિયાન અને ગ્રામ પંચાયત કક્ષાએ ધાર્મિક કાર્યક્રમો, ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી તથા શોભાયાત્રા યોજાશે. જ્યારે ૧૬ નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, ૧૭ નવેમ્બરે પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવ અને ૧૮ નવેમ્બરે ૧૦૦૦ ઉપરાંત આદિવાસી મહિલાઓની સભાનું આયોજન કરવામાં આવશે.
બેઠકમાં ભાજપના પ્રદેશ, જીલ્લા અને મંડલના હોદ્દેદારો, વિવિધ મોરચાના આગેવાનો, શક્તિકેન્દ્ર સંયોજકો તથા બુથ પ્રમુખોને કાર્યક્રમો સફળ બનાવવા અને સમયસર ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી હતી.