ધર્મશાલામાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, સાઉથ આફ્રિકાને ત્રીજી ટી ૨૦માં હરાવી સિરીઝમાં મેળવી લીડ

ભારતે સાઉથ આફ્રિકાને ૫ મેચોની ટી ૨૦ સિરીઝની ત્રીજા મેચમાં ૭ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. કટકમાં ટીમ ઈન્ડિયાએ પહેલો મેચ જીત્યો હતો અને પછી ચંદીગઢમાં રમાયેલા બીજા મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ચોથી મેચ ૧૭ ડિસેમ્બરે લખનઉમાં રમાશે. ટીમ ઈન્ડિયા લખનઉમાં સિરીઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે.

ધર્મશાલામાં પહેલા ભારતીય બોલરોએ કહેર મચાવ્યો. આફ્રિકન ઇનિંગ્સ ૨૦ ઓવરમાં ૧૧૭ રન પર જ સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ૧૫.૫ ઓવરમાં ૩ વિકેટ પર ૧૨૦ રન બનાવીને મેચ જીતી લીધી. ભારતીય ઓપનર્સ અભિષેક શર્મા અને શુભમન ગિલએ જોરદાર શરૂઆત કરી. બન્નેએ ૫.૨ ઓવરમાં જ ૬૦ રનની પાર્ટનરશિપ કરી. અભિષેક ૧૮ બોલમાં ૩૫ રન બનાવીને આઉટ થયો. અભિષેકે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા.

અભિષેકના આઉટ થયા બાદ શુભમન ગિલ અને તિલક વર્માએ બીજી વિકેટ માટે ૩૮ બોલમાં ૩૨ રનની પાર્ટનરશિપ કરી. શુભમન ગિલે ૨૮ બોલમાં માત્ર ૨૮ રન જ બનાવી શક્યો. ગિલ ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં રન બનાવવા માટે તરસતો રહ્યો અને આખરે પોતાની વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ૧૧ બોલમાં ૧૨ રન બનાવીને આઉટ થયો. સૂર્યા મેચને ફિનિશ કરી શક્યો નહીં. તિલક વર્મા ૩૪ બોલમાં ૨૬ અને શિવમ દુબે ૪ બોલમાં ૧૦ રન બનાવીને અણનમ રહ્યા.

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમ ઇનિંગ્સના અંતિમ બોલ પર માત્ર ૧૧૭ના સ્કોર પર સમેટાઈ ગઈ. આ ટીમે ચોથા બોલ પર જ રીઝા હેન્ડ્રિક્સના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. બીજી ઓવરમાં જ ટીમને ક્વિન્ટન ડિકોકના રૂપમાં મોટો ઝટકો લાગ્યો. ચોથી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસ ૨ રન બનાવી આઉટ થયો. મહેમાન ટીમ ૩.૧ ઓવરમાં ૭ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી. ત્યારબાદ, ટ્રિસ્ટન સ્ટબ્સે કેપ્ટન એડન માર્કરામ સાથે મળીને ચોથી વિકેટ માટે ૨૩ રન ઉમેરીને ટીમનો સ્કોર ૩૦ સુધી પહોંચાડ્યો, પરંતુ સ્ટબ્સે ૯ રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી. ૪૪ રન પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાને રિકવર કરવામાં મુશ્કેલી પડી. જો કે, કેપ્ટન માર્કરમ બીજા છેડે સંભાળ્યો. માર્કરમ ૪૬ બોલમાં ૬૧ રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને છ ચોગ્ગા સામેલ છે. ડોનોવન ફરેરાએ પણ ૨૦ રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહ, હષત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી, જ્યારે હાદક પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.