દાહોદ તાલુકાના રાછરડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ત્રણ સંતાનોને લઈને ગેરલાયક ઠર્યા છે. જેથી ઉપસરપંચની ચુંટણી યોજાશે તો કોણ ઉપસરપંચ બનશે તે તરફ સોૈની મીટ મંડાઈ છે.
દાહોદ તાલુકાના રાછરડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સોનલબેન ઈશ્ર્વરભાઈ હાડાને પંચાયત સભ્ય પદ માટે ગેરલાયક ઠેરવવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. રજુઆત મુજબ વર્ષ-૨૦૨૫માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીમાં સોનલબેન હાડા સભ્ય તરીકે ચુંટાયા હતા. અને બાદમાં ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે પણ કાર્યરત રહ્યા છે. રજુઆતમાં જણાવ્યુ હતુ કે, તેમને ત્રણ સંતાનો છે. અને તેમાંથી એક સંતાનનો જન્મ રાજય સરકાર દ્વારા નકકી કરાયેલી તા.૪ ઓગસ્ટ-૨૦૦૫ બાદ થયો હોવાનુ દસ્તાવેજી પુરાવા સાથે દર્શાવવામાં આવ્યુ હતુ. અરજદાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મંત્રી તેમજ મેળવાયેલા દાખલા, જન્મ નોંધણીની વિગતો અને શાળાના જી.આર.રજીસ્ટરની પ્રમાણિત નકલો રજુ કરવામાં આવી છે. આ દસ્તાવેજોના આધારે સોનલબેન હાડાના ત્રણ સંતાનોના જન્મની વિગતો રજુ કરીને તેઓ ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ સભ્ય માટે અયોગ્ય ઠરે છે. એવો દાવો કરવામાં આવ્યો હતો.