છોટાઉદેપુરની પ્રા.શાળાઓમાંથી જોખમી ઓરડા દુર કરવા માંગ

છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રા.શાળાઓના પરીસરમાં વર્ષો પહેલા રાજય કક્ષાએથી બનાવવામાં આવેલા ઓરડાઓ હવે અનેક સ્થળોએ જર્જરિત, બિનઉપયોગી અને જોખમી બની ગયા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ અંગે છોટાઉદેપુર જિલ્લા પ્રા.શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજુઆત કરી આવા જોખમી ઓરડાઓને તાત્કાલિક ડિમોલીશન કરી દુર કરવા માટેની કાર્યપદ્ધતિ નકકી કરવાની માંગ કરવામાં આવી છે.

જિલ્લાના સાત તાલુકાઓમાં વર્ષ-૨૦૦૨ આસપાસ બનાવવામાં આવેલા ૧૫૦ થી વધુ પ્રા.શાળાઓના ઓરડાઓ જર્જરિત થયા છે. અનેક શાળાઓમાં આવા સિન્થેટિકના ઓરડાઓ ઉપયોગમાં લેવા લાયક રહ્યા નથી. જર્જરિત ઓરડાઓ શાળા પરીસરમાં પડ્યા રહેતા હોવાથી એક તરફ બાળકોની સુરક્ષાનો પ્રશ્ર્ન ઉભો થાય છે તો બીજી તરફ શાળાના કેમ્પસમાં બાળકો માટેની રમત-ગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટેની જગ્યા પણ રોકાઈ જાય છે. રજુઆતમાં જણાવ્યુ છે કે, આવા ઓરડાઓને ડિમોલેશન કરવા માટે ઈજનેર દ્વારા અપસેટ વેલ્યુ સર્ટિ.આપે છે. પરંતુ સર્ટિ.માં દર્શાવેલી રકમની ઉ૫જ કરવાની તથા ત્યારબાદની પ્રક્રિયા શાળાઓ માટે મુશ્કેલ બની છે. અગાઉ આવા ઓરડાઓ દુર કરવા માટે ‚.૧૨,૦૦૦ ની ગ્રાન્ટ અપાતી હતી. પરંતુ હાલમાં આવી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. શાળામાં મોટી સંખ્યામાં બાળકો ભણતા હોય ત્યારે આવા જોખમી બાંધકામો શાળા પરીસરમાં રહેવા દેવા યોગ્ય નથી. ધણા કિસ્સામાં ઓરડાઓ દુર કરવાની કામગીરી આગળ વધી રહી નથી. પરિણામે શિક્ષકો અને શાળા સંચાલકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે. ચોમાસામાં જર્જરિત બાંધકામ વધુ જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં કોઈ દુર્ધટના બને તે પહેલા જ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવે તેવી શિક્ષકોમાં માંગ ઉઠી છે.