મલેકપુરમાં અવાર-નવાર વીજ ધાંધિયાથી લોકોને હાલાકી

મલેકપુરમાં એમજીવીસીએલના અણધડ વહીવટને કારણે વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે. તેથી ગ્રાહકો અને ખેડુતોને પરેશાની ભોગવવી પડે છે. તેમજ સ્ટાફનુ વર્તન પણ યોગ્ય નહિ હોવાની ફરિયાદો ઉઠી છે.

જ્રયોતિગ્રામ અને ખેતીવાડી યોજનાની વીજ લાઈનોમાં ક્ષણે ક્ષણે સર્જાતા ફોલ્ટને કારણે લોકોના રોજિંદા જીવન અને ખેતીકામ પર ગંભીર અસર પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવસમાં ૧૦થી વધુ વખત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. વીજ લાઈનો પર કુદરતી વનસ્પતિઓ, ઝાડ-પાન અને વેલાઓનો ભયંકર જમાવડો થઈ ગયો હોવા છતાં સ્ટાફના જવાબદાર અધિકારીઓ દ્વારા લાઈન ક્લિયરન્સ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. રજુઆતો બહેરા કાને અથડાઈ છે. આ બાબતે સ્થાનિક ગ્રામજનો, વિસ્તારના આગેવાનો તેમજ જિલ્લા પંચાયતના ડેલિગેટ દ્વારા વારંવાર લેખિત અને મોૈખિક રજુઆતો કરવામાં આવી છે. પરંતુ નિંદ્રાધિન તંત્રના પોલ આશ્ર્વાસનો સિવાય કોઈ નકકર કામગીરી થઈ નથી.