છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે આવેલી સુરજબા લલ્લુભાઈ સુરતી માધ્યમિક શાળાના ધો.-૯ થી ૧૨ ના ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ શનિવારના રોજ શાળાએ આવવાને બદલે નર્મદા જિલ્લાના દેવહાત્રા ધોધ ખાતે પ્રવાસે જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. શાળાની જાણકારી અને મંજુરી વિના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હોવાની બાબતને લઈ શાળા સંચાલકોમાં ચકચાર મચી જવા પામી હતી. મામલો સામે આવ્યા બાદ સોમવારે શાળાના આચાર્ય મયુરસિંહ રાઠોડ, ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓ તેમજ લકઝરી બસના સંચાલકને શાળામાં બોલાવી સમગ્ર ધટનાની પુછપરછ કરવામાં આવી હતી. આ તમામ પાસેથી જવાબો લેવામાં આવ્યા હોવાનુ તેમજ માફી પત્ર લખાવવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
શાળાના આચાર્ય મયુરસિંહ રાઠોડના જણાવ્યા મુજબ શાળામાં વિદ્યાર્થીઓ માટેની ટ્રાન્સ્પોર્ટેશન સુવિધા રજીસ્ટર્ડ છે. પરંતુ પ્રવાસ માટે અન્ય બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાળાની મંજુરી વગર વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હોવાની ગંભીર નોંધ લઈ વાલીઓને ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી એ.એમ.પરમારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમના જણાવ્યા મુજબ પ્રવાસ અંગે શાળા તરફથી જિલ્લા કચેરીને કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. ૭૦ થી વધુ વિદ્યાર્થીઓને શાળાની જાણ બહાર પ્રવાસે લઈ જવાની ધટના ગંભીર છે. આ મામલે શાળાની બેદરકારી સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે અને જવાબદારી નકકી થયા બાદ નિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. જો પ્રવાસમાં કોઈ અનીચ્છનીય ધટના બની હોત તો જવાબદારી કોની રહેત…?તેવો સવાલ પણ સમગ્ર મામલે ઉઠી રહ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગની તપાસ બાદ જ સમગ્ર ધટનામાં કોની બેદરકારી હતી અને કોની સામે કાર્યવાહી કરાશે તે સ્પષ્ટ થશે.