દાહોદમાં સંજેલીમાં એક કલાકમાં ૩૦ કુટુંબ નિયોજનના ઓપરેશન કરી દેતા અનેક સવાલો ઉભા થયા

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા સંજેલી અને સીંગવડ તાલુકામાં કુટુંબ નિયોજનના ઓપરેશન કેમ્પનું આયોજન સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ૯ વાગ્યાથી લાભાર્થીઓ આવી પહોંચ્યા હતા અને કલાકોની રાહ જોયા બાદ સાંજે ૪ વાગ્યે તબીબ આવ્યા અને માત્ર એક કલાકમાં ૩૦ કુટુંબ નિયોજનના ઓપરેશન કરી દેવાતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા છે.

આરોગ્ય વિભાગ દ્રારા દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા પણ નહોતી કરવામાં આવી. વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા દર્દીઓ તેમના નાના બાળકો સાથે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા હતા. નાના નાના ભૂલકાઓને સાડીઓનો ઝૂલો બનાવી બાળકોને ઝુલાવવા મજબૂર બન્યા હતા.

સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવતએ જણાવ્યું હતું કે, ઓપરેશન માટે પાત્રતા ધરાવતા તબીબો ઓછા છે. સરકારી તબીબ એક જ છે તેના કારણે ખાનગી તબીબો પાસે કરાવવા પડતા હોય છે અને દર્દીઓને ઓપરેશન પહેલા ભૂખ્યા પેટ રહેવાનું હોય છે. તેમજ અન્ય પરીક્ષણો કરવાના હોય છે, જેના કારણે લાભાર્થીઓને વહેલા બોલાવવામાં આવે છે. ઓપરેશન માટે કોઈ સમયગાળો નથી હોતો. તબીબની કુશળતા અને ઝડપ તેમજ દર્દી ઉપર આધાર રહેતો હોય છે, તે સિવાય નાની મોટી વ્યવસ્થાની ખામી બાબતે સૂચના આપી દીધી છે અને એ બાબતનું ભવિષ્યમાં યાન રાખવામાં આવશે.સ્થાનિકોનું કહેવું છે કે, જે આદિવાસી ગરીબ પરિવારો માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. કુટુંબ નિયોજનના કેમ્પમાં મહિલાઓ હેરાન પરેશાન થઈ હતી. આરોગ્ય સુવિધાઓ સહિત પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે.