દાહોદ એલસીબી પોલીસને ખંગેલા ચેકપોસ્ટ પર મળેલ અદભુત સફળતા

રૂપિયા ૧.૨૦ કરોડ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૪૫૯ સાથે અશોક લેલેન્ડ ટૂક પકડ્યો

રૂપિયા ૨૦ લાખની ટ્રક, ત્રણ મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૧,૪૦,૨૫,૮૦૦/-ના મુદ્દા માલ સાથે ક્લીનરની અટકાયત

ગત વહેલી પરોઢે દાહોદ એલસીબી પોલીસે ખંગેલા ચેક પોસ્ટ પરથી વોચ દરમિયાન રૂપિયા ૧.૨૦ કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ- ૧૪૫૯ સાથે અશોક લેલેન્ડ ટ્રક પકડી પાડી, રૂપિયા ૧૫૦૦૦/-ની કુલ કિંમતના મોબાઈલ નંગ-૩, રૂપિયા ૩૯૬૦/-ની રોકડ તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાય રૂપિયા ૨૦ લાખની કિંમતની અશોક લેલેન્ડ ટ્રક મળી રૂપિયા ૧,૪૦,૨૫,૮૦૦/ના મુદ્દામાલ સાથે ટ્રકના ક્લીનરની અટકાયત કરી તેમજ ટ્રકનો ચાલક અંધારાનો લાભ લઇ નાસી ગયાનું જાણવા મળ્યું છે. 

પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશ ભારતીય બનાવટના દારૂનો જંગી જથ્થો ભરી એચપી ૩૮ જે-૩૯૭૩ નંબરની અશોક લેલેન્ડ ટ્રક ખંગેલા ચેક પોસ્ટ વાળા રોડે ગુજરાત તરફ આવતી હોવાની ગુપ્ત બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ વહેલી સવારે  મધ્યપ્રદેશને જોડતી ખંગેલા સરહદી ચેકપોસ્ટ પરવ્યુહાત્મક વોચ ગોઠવી ત્યાંથી પસાર થતાં નાના મોટા વાહનો પર બાજ નજર રાખી પોતાના શિકારની રાહ જોતી ઉભી હતી. તે દરમિયાન બાજુથી બાતમીમાં દર્શાવેલ નંબરવાળી અશોક લેલેન્ડ ટ્રક દૂરથી નજરે પડતા પોલીસ સાબદી બની હતી. અને જેવી તે ટ્રક નજીક આવી કે તરત જ ટ્રકના ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણધરી તાલુકાના નિમ્બલકોટ ગામના હરીશ ભભૂતરામ ચૌધરી (જાટ)એ પોલીસની વોચ જોઈ લેતા થોડે દૂર પોતાની ટ્રક ઉભી રાખી, ટ્રકમાંથી ઉતરી અંધારાનો લાભ લઈ રોડની આજુબાજુના ઝાડી ઝાંખરામાં થઈનાસી છૂટયો હતો. ત્યાર બાદ ટ્રકના ક્લીનર રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણધરી તાલુકાના નિમ્બલકોટ સિયાગકી ઢાણી ગામના ૨૦ વર્ષીય જયરાજ નીંબારામ ચૌધરી (જાટ) પણ નાસવા જતા પોલીસે તેને ઝડપી પાડયો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકની બોડી પર ઢાંકેલ તાડપત્રી હટાવી ગાડીની તલાસી લેતાં ગાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટ વિદેશી દારૂની રૂપિયા ૧,૨૦,૦૯,૮૪૦/-ની કુલ કિંમતની પેટીઓ નંગ-૧૪૫૯ માં ભરેલ નાની-મોટી બોટલ નંગ-૩૭,૬૩૨ પકડી પાડી ટ્રકમાંથી રૂપિયા ૧૫,૦૦૦/-ની કિંમતના મેબાઈલ ફોન નંગ-૩પકડી પાડી અટકાયત કરેલ ટ્રકના ક્લીનર જયરાજ નીંબારામ ચૌધરી પાસેથી રૂપિયા ૩૯૬૦/-ની કિંમતની જુદા જુદા દરની ચલણી નોટો પકડી પાડી, સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગ માં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતની અશોક લેલેન્ડ ટ્રક મળી કુલ રૂપિયા ૧,૪૦,૨૫,૮૦૦/-નો મુંદ્દામાલ કબજે લઈ આ સંબંધે ટ્રકના ચાલક તેમજ ક્લીનર વિરુદ્ધ કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી સદર દારૂનો જથ્થો ટ્રકમાં કોણે ભરાવી આપ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે પકડાયેલ ક્લીનરની પૂછપરછ હાથ ધરી હતી.