દાહોદ જીલ્લાના લીમડી તાલુકા ખાતે ઝાલોદ ધારાસભ્યના વરદ હસ્તે મંજૂર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું

દાહોદ જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના દુરસ્તીકરણ અને રિસરફેસિંગની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ જીલ્લા વાસીઓને સરળ, સલામત અને સંતુલિત વાહન વ્યવહાર મળી રહે તે દિશામાં વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી જીલ્લા સંકલનની બેઠકમાં માર્ગોના દુરસ્તીકરણની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ અપાઈ હતી. જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ માર્ગ સુધારણા કાર્ય અમલમાં મૂકાયું છે.

જે અંતર્ગત પંચાયત માર્ગ અને મકાન, દાહોદ વિભાગ દ્વારા ગુરૂ ગોવિંદ લીમડી તાલુકાના મંજૂર થયેલ વિવિધ કામોના વિવિધ ગામોને જોડતા રસ્તાઓના રિસર્ફેસીંગનું ખાતમુહૂર્ત ઝાલોદ ધારાસભ્ય (ઝાલોદ વિધાનસભા) મહેશભાઈ ભૂરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કામગીરીથી ગ્રામ્ય તથા અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને મુસાફરીમાં સુગમતા પ્રાપ્ત થવા સાથે આવાગમનમાં સુરક્ષા અને ઝડપ બંને વધશે. જીલ્લા વાસીઓને ટકાઉ અને ગુણવત્તાસભર માર્ગ સુવિધાઓ પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતા આ કામગીરીઓ દ્વારા વધુ મજબૂત બની છે.