ચોમાસામાં પાણી ભરાયા બાદ એએમસી જાગ્યું, સાબરમતી રિવરફ્રન્ટ લાઇનનો કાંપ કાઢવા ૧૦.૪૬ કરોડ મંજૂર

અમદાવાદ રિવરફ્રન્ટ લાઇન સફાઈ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં અને નાગરિકોની મિલકતોને નુકસાન પહોંચ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટની ઇન્ટરસેપ્ટર લાઇનની સફાઈ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ તરફની ૧૧.૫૦ કિમી લાંબી લાઇનમાં જમા થયેલો કાંપ દૂર કરવા ૧૦.૪૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે. વોટર કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી છે.

ચોમાસા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં નાગરિકોને મુશ્કેલી પડી હતી અને મિલકતોને નુકસાન થયું હતું. આ Âસ્થતિ બાદ હવે સફાળું જાગ્યું છે અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા માટે ઇન્ટરસેપ્ટર લાઇનની સફાઈનો નિર્ણય લેવાયો છે. વોટર કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ, આગામી ચોમાસા પહેલાં સફાઈ પૂર્ણ કરીને લાઇનને સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત કરવામાં આવશે.

રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ કિનારે ૯૦૦ થી ૨૨૦૦ મિમી વ્યાસની ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. આ વ્યવસ્થા મારફતે ગટરનું પાણી ટ્રીટમેન્ટ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. પૂર્વ વિસ્તારની ઇન્ટરસેપ્ટર લાઇનમાં આવતું ગટરનું પાણી પીરાણા સ્થિત ૧૦૬ ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે અને ટ્રીટમેન્ટ બાદ નદીમાં છોડવામાં આવે છે.હવે પૂર્વ તરફની લાઇનની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. શાહીબાગ ડફનાળાથી આંબેડકર બ્રિજ સુધી ફેલાયેલી ૧૧.૫૦ કિમી લાંબી લાઇનમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના અનેક વોર્ડનાં ડ્રેનેજ કનેક્શન જાડાયેલાં છે. લાઇનમાં જમા થયેલા કાંપ અને અન્ય અવરોધોને દૂર કરવા માટે ડિસિલ્ટીંગ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ કામગીરી માટેના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે ટેન્ડર બહાર પાડ્યું હતું. લાઇનની સફાઈ માટે ટેકનોલોજી અને હેવી મશીનરી ધરાવતા કોન્ટ્રાક્ટરની જરૂરિયાત હોવાથી આ શરતો સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં ૨ કોન્ટ્રાક્ટરોએ ભાગ લીધો હતો. વાટાઘાટો બાદ એક કોન્ટ્રાક્ટરે ૧૦.૪૬ કરોડમાં કામગીરી કરવા તૈયારી દર્શાવી હતી, જેમની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.