છોટાઉદેપુર નગરપાલિકામાં અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના સહયોગથી ભાજપનુ બોર્ડ સત્તામાં હતુ. જોકે હવે આ ગઠબંધનને અલગ કરીને નવા સમીકરણો ઉભા કરવાની ભાજપ તરફથી કવાયત શ કરી હોવાનુ સામે આવ્યુ છે. ભાજપે નગરપાલિકામાં ચુંટાયેલા અપક્ષો તેમજ અન્ય પક્ષોના સભ્યોને સાથે લાવીનુ નવુ બહુમતીનુ સમીકરણ બનાવવાની દિશામાં પગલા ભર્યા હોવાનુ રાજકિય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સમાજ પાર્ટીના ૪ સભ્યો, ભાજપના ૭ સભ્યો તેમજ અપક્ષના ૨, બહુજન સમાજવાદી પાર્ટીના ૪ કેટલાક ચુંટાયેલા સભ્યો સહિતના રાજકિય પ્રતિનિધિઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ તમામ ચુંટાયેલા સભ્યો અને સંબધિત પક્ષોના પ્રતિનિધિઓ ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના વીર નેતાઓને પણ મળ્યા છે. જેના કારણે છોટાઉદેપુર નગરપાલિકામાં હવે સત્તાનુ નવુ સમીકરણ રચાવાની શકયતાઓ વધુ પ્રબળ બની છે. નવા પ્રમુખની રચના પહેલા ભાજપ દ્વારા પોતાના તરફે બહુમતીનુ ગણિત મજબુત કરવા માટે અપક્ષો અને અન્ય પક્ષોના ચુંટાયેલા સભ્યોને સાથે જોડવાની કવાયત હાથ ધરાઈ છે. અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના સહયોગથી ભાજપનુ નગરપાલિકા બોર્ડ ચાલતુ હતુ. પરંતુ હવે આગામી દિવસોમાં સંપુર્ણપણે નવા રાજકિય સમીકરણ સાથે જોવા મળશે. ત્યારે સમાજવાદી પાર્ટીને સત્તામાંથી બહારનો રસ્તો બતાવીને ભાજપ પોતાનુ નવુ બોર્ડ બનાવશે. આ નવા પ્રમુખની ખુરશી પર કોની પસંદગી થશે. નવા પ્રમુખના બે દિવસમાં જાહેરનામાંની શકયતા વચ્ચે છોટાઉદેપુર નગરપાલિકામાં રાજકિય ગણિત ઝડપથી બદલાઈ રહ્યુ છે. ભાજપનો એક જુથ સત્તા મેળવવા માટે સક્રિય બન્યો છે. તો બીજી તરફ અન્ય પક્ષોના ચુંટાયેલા સભ્યો પણ હવે નવા રાજકિય સમીકરણમાં મહત્વની ભુમિકા ભજવી શકે છે. આ સમગ્ર ધટનાક્રમમાં આગામી દિવસોમાં કોના પત્તા કપાય છે અને કોના હાથમાં નગરપાલિકાની સત્તાની ચાવી આવે છે તેના પર સોૈની નજર છે.