
છોટા ઉદેપુર જિલ્લાના પોટિયા ગામ પાસેથી જિલ્લા LCBએ બોલેરો પિકઅપ ગાડીમાંથી ₹2,63,059/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા LCBની ટીમ ઝોઝ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે પોટિયા પાસેથી એક બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે LCBની ટીમે પોટિયા ગામ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 06 AZ 0465 નંબરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં ચોરખાનું બનાવીને છુપાવેલો 879 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,63,059/- આંકવામાં આવી છે.
LCBની ટીમે વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ ગાડી સહિત કુલ ₹9,68,059/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગાડીના ચાલક નરેશ કાદુડાભાઈ રાઠવા (રહે. વાકી ફળિયા, પોટિયા, તા.જી. છોટા ઉદેપુર) ની ધરપકડ કરવામાં આવી છે.