છોટાઉદેપુરમાં ૧૦૦ કરોડના વિકાસના કામો મુદ્દે ભડકો

છોટાઉદેપુર જિલ્લાના પ્રયોજના વહીવટદારની કચેરી દ્વારા આદિવાસી વિસ્તારના વિકાસ અર્થે મંજુર કરાયેલા ૧૦૦ કરોડથી વધુના કામોના આયોજનમાં ભારે ગેરરિતી અને મનસ્વીતાના આરોપો સાથે રાજકિય ગરમાવો આવી ગયો છે. સ્થાનિક ચુંટાયેલી પાંખ દ્વારા સુચવવામાં આવેલા વિકાસ કામો પર લાલ લીટો ફેરવી દઈ ૮૦ ટકા જેટલા કામો ખાનગી સંસ્થાઓ તથા એજન્સીઓને પધરાવી દેવાનો કારસો સામે આવતા જ ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ લાલધુમ થઈ ગયા છે.

છોટાઉદેપુર જિલ્લાના સાતેય આદિવાસી બાહુલ્ય તાલુકાઓના સર્વાંગી વિકાસ માટે પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વાર્ષિક ‚.૧૦૦ કરોડથી વધુનુ બજેટ ફાળવે છે. નિયમ મુજબ આ કામોનુ આયોજન સ્થાનિક સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો અને જિલ્લા પંચાયત સદસ્યોની ભલામણો અને દરખાસ્તોના આધારે કરવાનુ હોય છે. કામોની ફાળવણીમાં ૬૦ અને ૪૦ નો રેશિયો છે. પરંતુ પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓએ ચુંટાયેલા પ્રતિનિધિઓની તમામ ભલામણો રદ્દ કરીને અંદાજે ૮૦ કરોડ ‚પિયાના કામો એનજીઓ અને ખાનગી સંસ્થ્ાઓને ફાળવી દીધા હોવાનો પર્દાફાશ થયો છે. જયારે આયોજનની અધિકૃત બુકલેટ બહાર આવતા ચુંટાયેલી પાંખના હાથમાં પહોંચતા તેમને સુચવેલા કામો ગાયબ જોઈને નેતાઓ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા હતા. અધિકારીઓના આ મનસ્વી વલણ સામે સાતેય તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોએ એકજુથ થઈને પ્રાયોજના વહીવટદારની કચેરીએ પહોંચી આક્રમક અને ઉગ્ર રજુઆત કરી હતી. જેને લઈને જિલ્લામાં લોકશાહી નહિ પણ અધિકારી રાજ ચાલી રહ્યુ છે. પ્રજાના પ્રતિનિધિઓએ આપેલા કામો કાપીને સંસ્થાઓને લાભ પહોંચાડવાની આ ચાલ સાંખી લેવામાં નહિ આવતા અધિકારીઓની આ ચાલાકી સામે ભાજપના જ સ્થાનિક નેતાઓમાં તિવ્ર અસંતોષ વ્યાપી ગયો છે. આ મામલે હવે આરપારની લડાઈના મુડમાં આવેલા નેતાઓએ સ્પષ્ટ કર્યુ છે કે, આગામી દિવસોમાં જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે પહોંચી જિલ્લા પ્રભારે મંત્રીને સત્તાવાર રજુઆત કરશે.