નસવાડીમાં રહેતા છોટાઉદેપુર જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અને વકીલ નૌફિલભાઈ મેમણ પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. નૌફિલ મેમણે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શ કરી છે.
ફરિયાદ મુજબ ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સાંજે લગભગ ૫ વાગ્યે નૌફિલભાઈ મેમણ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિની બેઠકમાંથી નસવાડી પરત ફરી રહ્યા હતા.
કવાંટ-નસવાડી ચોકડી પાસે તેઓ મિત્ર પ્રદીપ રાઠવા સાથે વાત કરી રહ્યા હતા. એ સમયે છોટાઉદેપુર તરફથી આવેલી લાલ રંગની કારમાંથી સલીમ શેખ, ફિરોજબેન, ફાઇઝાબેન નીચે ઉતર્યા હતા. આરોપ છે કે ત્રણેયે ગાળો આપી ધમકી આપી કહ્યું હતું કે, તું અમારા જમાઈ અબરારનો વકીલ છે. સુરત આવ તો તને કાપી નાખીશું.
એ જ દિવસે સાંજે લગભગ ૭ વાગ્યે નસવાડી બજારમાં કવાંટ રોડ પર આવેલી નૌફિલભાઈની ઓફિસ સામે ફરીથી એ જ ત્રણેય પહોંચ્યા. ફરિયાદ મુજબ ગાળો બોલી ઝપાઝપી કરી હતી. સલીમ શેખે નૌફિલભાઈના ડાબા ગાલ પર લાફો માર્યો હતો. ત્યારે મિત્રોએ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો.
નૌફિલભાઈએ ૧૧૨ પર કોલ કરતાં ટીમ ત્રણેયને પોલીસ સ્ટેશન લઈને આવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે નૌફિલભાઈ સુરત કોર્ટમાં અબરારના કેસમાં વકીલ હોવાથી ધમકીઓ અપાઈ રહી છે.