છોટાઉદેપુર નગરમાં મંગળબજાર વિસ્તારમાં દુકાન બહારના ઓટલા પાલિકા તંત્ર અને વેપારીઓના સહકારથી દુર કરવામાં આવ્યા હતા. મંગળ બજાર વિસ્તારમાં ગટર બનાવવાની હોય જુની બનાવેલી ગટર ઉપર બનાવેલા ઓટલા દુર કરાયા હતા.
છોટાઉદેપુર નગરમાં મંગળબજાર વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી ગટરો મોટી કરવા બાબતે વેપારીઓની માંગ હતી. જે માંગને લઈને પાલિકા તંત્ર દ્વારા તેની કામગીરી શરૂ કરવાની હોવાથી પાલિકા તંત્ર દ્વારા વેપારીઓના સહયોગથી જુની ગટરની ઉપર બનાવેલા ઓટલા જે નડતરરૂપ હતા. તેને સ્વૈચ્છિક રીતે કોઈ ધર્ષણ વિના પાલિકા અને વેપારીઓના સહકારથી દુર કરવામાં આવ્યા હતા. થોડા દિવસોઅગાઉ પથારા અને કેબિનો કરી દુકાન ચલાવતા વેપારીઓને નડતરરૂપ જગ્યા પરથી હટાવી વૈકલ્પિક વ્યવસ્થા કરી રસ્તો ખુલ્લો કરી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કર્યા હતા. પથારા કરીને બેસતા કે ગેરકાયદે દુકાનો ધરાવતા વેપારીઓને તો મુખ્ય માર્ગ પરથી હટાવી દીધા છે. જયારે પાકી દુકાનો ઉપર કરેલા ઓટલાને તોડી પાડ્યા હતા. દુકાનોની બહાર પાકા ઓટલા જેવા દબાણો દુર થતાં નવી ગટર બનાવાશે. મંગળબજારમાં ચોમાસા દરમિયાન નાની ગટરોમાં કચરો ભેગો થતાં અને પાણી ભરાતા ગટરો ઉભરાતી હતી. જે વેપારીઓ માટે ભારે આફત હતી. આ મોટી ગટરો બનતા સદર સમસ્યાનો અંત આવશે.